કૃષિ કાયદાને લઈને જ્યાં કેન્દ્ર સરકાર દેશભરમાં પોઝિટિવ વાતાવરણ બનાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે. તો બીજી તરફ ખેડૂતો અને તમામ વિરોધી પક્ષો કેન્દ્રમાંથી આ કાયદાઓને રદ કરવાની માંગ કરી રહ્યા છે. આ લીસ્ટમાં હવે કેરળના મુખ્યમંત્રી પિનરાય વિજ્યને પણ ખેડૂત આંદોલનને સમર્થન આપ્યું છે. વિજયને કહ્યું છે કે, કેન્દ્ર સરકારે તાત્કાલિક ત્રણેય કાયદા પાછા ખેંચવા જોઈએ. તેમણે કહ્યું કે કેન્દ્રના આ કાયદા ઉદ્યોગપતિઓના હિતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે. તો ભાજપ તરફથી તાત્કાલિક મોરચો લઈને કેરળ સરકાર પર જોરદાર હુમલો કરવામાં આવ્યો.
વિશેષ વિધાનસભા સત્ર બોલાવવાની માંગ નકારી
દિલ્હી અને તેની બોર્ડર પર પાછલા ચાર અઠવાડિયાથી ખેડૂતો સતત પ્રદર્શન કરી રહ્યા છે. ખેડૂતોના આ આંદોલનના સમર્થનમાં ઘણા વિપક્ષના નેતાઓ કેન્દ્ર સરકાર વિરુદ્ધ બહાર આવી ચૂક્યા છે. બીજી તરફ કેરળના મુખ્યમંત્રી પિનરાય વિજ્યને પણ રાજ્યપાલ પાસેથી કૃષિ કાયદાઓની ચર્ચા કરવા વિધાનસભાના વિશેષ સત્ર બોલાવવા મંજૂરી માંગી છે. જેમાં કૃષિ કાયદા વિરુદ્ધ ઠરાવ પસાર થવાની ધારણા હતી. પરંતુ રાજ્યપાલ આરિફ ખાને આ વાતનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. જે બાદ વિજયને પણ નારાજગી વ્યક્ત કરી હતી.
કેરળના સીએમએ ખેડૂતોના સમર્થન કરતા કહ્યું કે,દેશના અન્નદાતા છે અને તેની માંગ પર ધ્યાન આપવુ જોઈએ. તેમણે આ મામલે કેન્દ્રની મોદી સરકાર પર પ્રહારો કર્યા હતાં.
ભાજપે કેરળ સરકાર પર પ્રહાર કર્યા હતા
હવે કેન્દ્ર સરકાર, જે કૃષિ કાયદા અંગે સતત આક્રમક સ્થિતિમાં રહે છે, તેણે તુરંત જ કેરળ સરકારને ઘેરી લેવા માટે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને આક્ષેપ કર્યો હતો કે ડાબેરીવાદીઓ આ આંદોલનના નામે કેન્દ્ર પર હુમલો કરી રહ્યા છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે,”કેરળમાં ડાબેરી સરકાર ખેડૂતો પર અત્યાચાર કરી રહી છે. ખેડૂતની પાછળ ઊભા રહીને ડાબેરીઓ રાજકારણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. મોદીજીએ બનાવેલા કાયદામાં ખેડૂતને ત્રણ દિવસની અંદર પેમેન્ટ કરવાનું રહેશે, ત્યારબાદ ખેડૂત કોર્ટમાં જઈ શકે છે. શું કેરળ સરકાર તેની વિરુદ્ધ છે? કેરળમાં જે કંપનીઓ ખરીદી અને વેચાણ કરે છે, તેમની ચુકવણી વર્ષોથી બાકી છે.”
સંબિત પાત્રાએ કહ્યું કે, કેરળ સરકારના પોતાના કામદારો ખેડૂતો પાસેથી ખરીદી અને વેચાણની આસપાસ બેઠા છે. તેથી જ તેઓ કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહ્યા છે. સાથે બીજેપીએ ત્રિપુરાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, 2018 પહેલા પણ અહીં ખેડૂતોને એમએસપી આપવામાં આવ્યા ન હતા. ભાજપના સત્તામાં આવતા જ ખેડૂતોને રાહત આપવામાં આવી હતી.
