ગીર સોમનાથ: 300 કરોડના ખર્ચે બની રહેલા ઈન્ટરનેશનલ સુવિધાથી સજ્જ મત્સ્યબંદરનું સીએમના હસ્તે ખાતમુહૂર્ત

ગીર સોમનાથ: જિલ્લાના નવા બંદર ખાતે રૂપિયા ૩૦૦ કરોડના ખર્ચે નિર્માણ પામનાર અદ્યતન અને આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધા યુક્ત મત્સ્યબંદરનું ખાતમુહુર્ત કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે ગુજરાતને મળેલા ૧૬૦૦ કિલોમીટરના દરિયાકાંઠાની વિપુલ તકોનો ટેકનોલોજી સાથે સમન્વય સાધીને સૌરાષ્ટ્ર સહિત રાજ્યના બંદરોનું આધુનિકરણ કરી દરિયાકાંઠાના અર્થતંત્રને વધુ મજબૂત કરાશે.

સીએમ રૂપાણીએ આ સંદર્ભે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે રાજ્ય સરકારની મત્સોદ્યોગની વિકાસલક્ષી નીતિને લીધે વર્ષ ૨૦૧૯-૨૦માં રાજ્યનું મત્સ્ય ઉત્પાદન ૮.૫૮ લાખ મેટ્રિક ટન સુધી પહોંચ્યું છે. પાંચ હજાર કરોડથી પણ વધુના મત્સ્ય ઉત્પાદનોની નિકાસ કરવામાં આવી છે તેમ જણાવીને મુખ્યમંત્રીએ કહ્યું હતું કે સાગરખેડૂના વિકાસ માટે રાજ્ય સરકાર પ્રતિબધ્ધ છે.

મુખ્યમંત્રીએ ગુજરાત દેશનું પ્રવેશદ્વાર બન્યું છે તેમ જણાવતા કહ્યું હતું કે મત્સોદ્યોગના વિકાસની વાત કરતા ઉમેર્યું કે હાલ રાજ્યમાં ૨૯ હજારથી પણ વધુ બોટનું રજીસ્ટ્રેશન થયું છે. માછીમારોને કેરોસીન પર એક લિટરે રૂ. ૧૫ ની સબસિડી મળતી હતી તે વધારીને રૂપિયા રૂ. ૨૫ કરવામાં આવી છે. આ ઉપરાંત સેસમાં પણ નોંધપાત્ર ઘટાડો કરી માછીમારોને સહાય આપવામાં આવી છે. વધુમાં મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે પાકિસ્તાન દ્વારા પકડેલા ૭૧૦૦ માછીમારોને છોડાવવામાં આવ્યા છે.

મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા વેરાવળ, માંગરોળ, સુત્રાપાડા, માઢવાળ અને પોરબંદર જેવા બંદરોના વિકાસ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુત્રાપાડા ખાતે જીઆઇડીસીની જમીન ફિશરીઝ ખાતાને આપવામાં આવી છે અને હવે પર્યાવરણ ખાતામાં આગળની કાર્યવાહી માટે મોકલી આપવામાં આવી છે. આમ રાજ્ય સરકાર દ્વારા સાગરબંધુઓને તમામ સુવિધા મળી રહે અને એમને કોઈ તકલીફ ન પડે એ દિશામાં પ્રયત્નો કરવામાં આવી રહયા છે.

વધુમાં મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે કોરોનાની આ કપરી પરિસ્થિતિમાં પણ ગુજરાતે વિકાસને અટકવા નથી દીધો. છેલ્લા ૫ મહિનામાં ૨૭ હજાર કરોડના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા છે તેમ જણાવી આજે એક જ દિવસમાં ૭૫૦ કરોડના ખાતમુહૂર્ત અને લોકાર્પણના કામો કરવામાં આવ્યા છે.

રાજ્ય સરકાર પારદર્શક અને ઈમાનદારીથી કામ કરે છે. ગરીબો અને ઋજુ લોકોની સરકાર છે. પ્રજાના પૈસા પ્રજા માટે વાપરીને પારદર્શક પ્રજાભિમુખ વહીવટ થી કામ કરી રહ્યા છે એમ જણાવીને બે-અઢી દાયકા પહેલા વિપક્ષોની સરકાર હતી ત્યારે ખાતમુહૂર્ત ના કામો થયા પછી લોકો રાહ જોતા હતા અને અમે જેનું ખાતમુહૂર્ત કરીએ છીએ તેનું લોકાર્પણ પણ અમેજ કરીએ છીએ એમ જણાવી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત માં કરેલા વિકાસને આગળ વધારીને ગુજરાત ને દેશનું અગ્રીમ રાજ્ય બનાવવા આપણે આગળ વધી રહ્યા છીએ એમ પણ કહ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap