ગુજરાતના કચ્છમાં આજે બંદર, જહાજ અને જળમાર્ગ મંત્રાલયની ‘ચિંતન બેઠક’થઈ સંપન્ન

કચ્છ: આજે બંદર, જહાજ અને જળમાર્ગ મંત્રાલયની ત્રણ દિવસની ‘ચિંતન બેઠક’ સંપન્ન થઈ હતી. કેન્દ્રીય બંદર, જહાજ અને જળમાર્ગ મંત્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં યોજાયેલી આ ચિંતન બેઠકમાં તમામ મુખ્ય બંદરના અધ્યક્ષો અને વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. જેમણે સઘન ચર્ચાવિચારણા કરી હતી. આ બેઠક ગુજરાતના કચ્છમાં ધોરડોમાં ધ ટેન્ટ સિટીમાં 21 જાન્યુઆરીથી 23 જાન્યુઆરી સુધી યોજાઈ હતી.

આ બેઠકમાં વિવિધ સત્રોનું આયોજન થયું હતું, જેમાં ભારતના પૂર્વ દરિયાકિનારાને આવરી લેતા શહેરી પરિવહન માટે દરિયાઈ માર્ગોની ઓળખ કરવા જેવી પહેલો જેવા સત્રો સામેલ હતા. મુખ્ય બંદરોની મુખ્ય અને ગૌણ અસ્કયામતોના અસરકારક ઉપયોગ પર ચર્ચા થઈ હતી. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, બિગ ડેટા, જીયોફેન્સિંગ, બંદર પર ડેટા સંચાલિત ટ્રાફિકનું વ્યવસ્થાપન, આઇઓટી આધારિત ટ્રક કાફલાનું વ્યવસ્થાપન, જીઆઇએસ આધારિત કાર્ગો ટ્રેકિંગ વગેરે જેવી વિવિધ ટેકનોલોજીઓ પર ચર્ચા થઈ હતી, જેથી મુખ્ય બંદરોની કામગીરીને સરળતાપૂર્વક અને ઝડપથી પરિવર્તિત કરીને ‘સ્માર્ટ બંદરો’માં પરિવર્તિત કરી શકાય તથા આગળ જતાં ‘ઇન્ટેલિજન્ટ પોર્ટ’ બનાવી શકાય, જેની કલ્પના મેરિટાઇમ ઇન્ડિયા વિઝન–2030માં કરવામાં આવી છે.

ઇન્ડિયન પોર્ટ્સ એસોસિએશનનાં પુનર્ગઠન, ભારતમાં દરિયાઈ વિવાદોનું સમાધાન કરવા ભારતનું સૌપ્રથમ મેરિટાઇમ આર્બિટ્રેશન સેન્ટર ઊભું કરવાની સંભવિતતાઓ પર પણ ચર્ચા થઈ હતી, જેથી દરિયાઈ વિવાદોનું સમાધાન કરવા અન્ય દેશોમાં જવું ન પડે. આ બેઠક દરમિયાન મુખ્ય બંદરો પર ગીચતા અને ભારણ ઘટાડવા અને વધારે કાર્ગોને આકર્ષવા સેટેલાઇટ પોર્ટ્સની સ્થાપનાની સંભવિતતાઓ પર ચર્ચાવિચારણા થઈ હતી.

રો-રો અને રોપેક્સ ફેરી સેવાઓના સૂચિત સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય માર્ગોની સમીક્ષા કરવામાં આવી હતી. જ્યારે સીપ્લેન કામગીરીઓના નવા સૂચિત સ્થળોની સમીક્ષા કરવામાં આવી હતી, ત્યારે સીપ્લેનના ઇઓઆઈ (આ પ્રકારની સેવા શરૂ કરવામાં રસ ધરાવતા પક્ષો પાસેથી દરખાસ્તો)ને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે એની નોંધ લેવામાં આવી છે. દરિયાઈ કાર્ગોની અવરજવરના હિસ્સાને વધારવાની રીતો પણ ચકાસવામાં આવી હતી. તમામ મુખ્ય બંદરોમાં વર્ષ 2035 સુધી મેનપાવર પ્લાનિંગની યોજના પણ ચકાસવામાં આવી હતી.

ચિંતન બેઠકના સમાપન પર મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે, “આપણો લાંબા ગાળા માટેનો લક્ષ્યાંક ભારતનાં દરિયાઈ વેપારવાણિજ્યનાં સુવર્ણકાળને પુનઃજીવિત કરવાનો છે. આ ચિંતન બેઠક સાથે તમામ મુખ્ય બંદરો વચ્ચે સંકલન વધારે સારી રીતે થશે અને સામાન્ય લક્ષ્યાંકો હાંસલ કરવા વધારે સમન્વય સાથે કામગીરી થઈ શકશે. આજે ચિંતન બેઠકના અંતિમ દિવસે મેરિટાઇમ ઇન્ડિયા વિઝન–2030ને અંતિમ ઓપ અપાઈ ગયો છે અને ટૂંક સમયમાં એનો અમલ કરવા તૈયાર થઈ જશે એની મને ખુશી છે અને આશા છે. હું તમામ મુખ્ય બંદરોના અધ્યક્ષો અને અધિકારીઓને અસરકારકતા, સમર્પણ અને પ્રેરણા સાથે કામ કરવાની સલાહ આપું છું, જેથી દુનિયામાં ભારત દરિયાઈ વેપારવાણિજ્યમાં લીડર તરીકે એનું સ્થાન મેળવે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap