છેવટે ચીને પ્રથમ વખત કબૂલાત કરી છે કે 15 જૂન 2020ના રોજ ગલવાનમાં થયેલી અથડામણમાં ચીની સૈનિકો પણ માર્યા ગયા હતાં. શુક્રવારે ચીને પહેલીવાર સ્વીકાર્યું કે, તેના ચાર સૈનિકો જૂન 2020માં ભારતીય સૈનિકો સાથે લોહિયાળ અથડામણમાં માર્યા ગયા હતા. ચીન આ અથડામણમાં માર્યા ગયેલા સૈનિકોના સન્માનમાં એવોર્ડ આપશે.
આપને જણાવી દઇએ કે પાછલા વર્ષે જૂનમાં પૂર્વી લદ્દાખની ગલવાન ખીણમાં ભારત અને ચીની સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ અથડામણમાં 20 ભારતીય જવાનો શહીદ થયા હતાં.
પાછલા એક વર્ષથી ચીન તેના સૈનિકોનાં મોતનાં સમાચારોને આવરી રહ્યું હતું. માર્યા ગયેલા ચીની સૈનિકોમાં એક બટાલિયન કમાન્ડર અને ત્રણ સૈનિક હતા. ચીને માર્યા ગયેલા 4 જવાનોના નામ જાહેર કર્યા છે. આ સૈનિકોનાં નામ છે ચેન હોંગજૂન, ચેન શિઆંગરોન્ગ, શિયાઓ સિયુઆન, વાંગ ઝુઓરન.
ચીની મીડિયાએ આ સૈનિકોનાં મોતનો “વિદેશી સૈનિકો” સામે “ઉગ્ર સંઘર્ષ” ગણાવ્યું છે.
અત્યાર સુધી ચીની અધિકારીઓ ઘાયલ થવાની વાત કરતા હતાં, પરંતુ કેટલા સૈનિકોનાં મોત થયાં તે અંગે સ્પષ્ટતા કરી નથી, જ્યારે ભારતે પણ તેના 20 શહીદ સૈનિકોનાં નામ જાહેર કર્યા છે. પરંતુ ચીને મૌન ધારણ કર્યું હતું.
પૂર્વી લદ્દાખથી ભારત અને ચીનની સેના પાછી ખેંચી
ભારત અને ચીની સૈન્ય વચ્ચે લગભગ 9 મહિનાથી ચાલતા જબરદસ્ત તણાવમાં થોડી નર્મી આવી છે. ભારત અને ચીનની સૈનિકોએ પૂર્વી લદ્દાખ સેક્ટરમાં લાઈન ઓફ એક્યુઅલ કન્ટ્રોલ પરથી પીછેહઠ કરી છે. પૂર્વી લદ્દાખમાં પૈંગોગ લેકની ઉત્તર અને દક્ષિણ બાજુઓથી ભારતીય અને ચીની સેનાની પરત ફરવાની પ્રક્રિયા ચાલી રહી છે, જે 20 ફેબ્રુઆરી સુધીમાં પૂર્ણ થઈ જશે.
ચીની પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) એ ગયા વર્ષે પૈંગોંગ લેકની ઉત્તરી તટ પર ફિંગર 4 વિસ્તાર કબજે કર્યો હતો અને લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (એલએસી) પર યથાસ્થિતિમાં ફેરફાર કર્યો હતો. હાલમાં ભારતીય અને ચીની સૈન્ય કમાન્ડરો વચ્ચેના કરાર મુજબ, બંને પક્ષોએ તેમની જમીનમાં પર પાછી ખેંચી લેવી જોઈએ,જે 2020 માં ડેડલોક શરૂ થયા પહેલા હતી.
કેવી રીતે આખી ઘટના બની ?
ન્યૂઝ એજન્સી ANIએ સૂત્રોના હવાલેથી જણાવ્યું છે કે 15 જૂન 2020ના રોજ ઈન્ડિયન 3 ઈન્ફેન્ટ્રી ડિવીઝન કમાન્ડર અને ઘણા સીનિયર ઓફિસર પૂર્વી લદ્દાખ સેક્ટરમાં શ્યોક અને ગલવાન નદિઓના Y જક્શનની પાસે હાજર હતાં. બન્ને દેશોની વચ્ચે વાતચીત થવાની હતી. તેથી આ અધિકારીઓ ત્યાં હાજર હતા. ભારતીય સુરક્ષાદળોને, જેમાં 16 બિહાર રેજિમેન્ટ સહિત, ચીન તેની પોસ્ટ હટાવશે તેની ખાતરી કરવા કહેવામાં આવ્યું હતું, ત્યારબાદ આ સંદેશ આપવા માટે એક નાનો પેટ્રોલીંગ મોકલવામાં આવ્યો હતો.
સુત્રોનું કહેવું છે કે, ચીની ઓબ્ઝર્વેશન પોસ્ટ પર 10-12 સૈનિકો હતા, જેને ભારતીય પેટ્રોલ દ્વારા ઉચ્ચ કક્ષાના સૈન્ય સંવાદમાં નિર્ણય કર્યા મુજબ, ત્યાંથી જવા માટે કહેવામાં આવ્યું હતું. ચીની સેનાએ આવું કરવાની ના પાડી અને પેટ્રોલ તેના યુનિટને જાણ કરવા પાછા ફર્યા. ત્યારબાદ બિહારના 16 કમાન્ડિંગ ઓફિસર કર્નલ સંતોષ બાબુ સહિત 50 ભારતીય સૈનિકો ચીની સૈનિકોને ખાતરી આપવા માટે ગયા કે તેઓ ભારતીય ભૂમિ પર હોવાથી તેઓને પાછા જવું પડશે. ચાઇનીઝ ચોકી પર સૈનિકોએ તેમના સૈનિકોને ગલવાન ઘાટીમાં પાછળની બાજુએ બોલાવ્યા. ત્યાર બાદ ચર્ચા શરૂ થઈ અને ઓચિંતા ચીની સૈનિકોએ ભારતીય સૈનિકો પર હુમલો કર્યો.
