દેશમાં 16 જાન્યુઆરીથી કોરોના રસીકરણ શરૂ થવા જઈ રહ્યું છે. સીરમ ઈન્સ્ટીટ્યુટ વેક્સિન કોવિશિલ્ડની પ્રથમ ખેપ આજે દેશના ઘણા શહેરોમાં પહોંચી ગઈ છે. 11 જાન્યુઆરીએ પીએમ મોદીએ કહ્યું હતું કે, પ્રથમ તબક્કામાં લગભગ 3 કરોડ હેલ્થકેર અને ફ્રન્ટલાઈન વર્કર્સને વેક્સિન આપવામાં આવશે ત્યાર બાદ નાગરિકોનો નંબર આવશે. જોકે, સરકારે કહ્યું છે કે,વેક્સિનના સારા સમાચારની સાથે ‘કોવિડ-યોગ્ય વર્તન’ પણ ધ્યાનમાં રાખવું પડશે.
દેશની કોરોના પરિસ્થિતિ વિશે પ્રેસ બ્રીફિંગ દરમિયાન સ્વાસ્થ મંત્રાલયે જાહેર સ્થળોએ માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સિંગને પગલે અને વેક્સિન લીધા બાદ પણ સમયાંતરે હાથ ધોવા જેવા પ્રોટોકોલોનું પાલન કરવાની અપીલ કરી હતી.
કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે,”એક અથવા બે ડોઝ બાદ પણ કોવિડ-યોગ્ય વર્તનનું પાલન કરવું જોઈએ. હું તમને હાથ જોડીને વિનંતી કરું છું. એવું વિચારશો નહીં કે મને હવે 1 અથવા 2 ડોઝ મળી ગયા છે, હવે હું કંઇ પણ કરી શકું છું.”
મંત્રાલયે કહ્યું છે કે,બંને વેક્સિન 28 દિવસના અંતરે બે ડોઝ આપવામાં આવશે. બીજો ડોઝ 14 દિવસ બાદ એન્ટિબોડીઝનો ડેવલોપ થાય છે.
નેશનલ એક્સપર્ટ કમિટી ઓન વેક્સિન એડમિનિસ્ટ્રેશનના ચેયરપર્સન ડો વીકે પોલે કહ્યું કે, “બધા લોકોએ આગળ આવવું જોઈએ અને કોઈ પણ ખચકાટ વિના રસી લેવી જોઈએ.”
પ્રથમ તબક્કામાં કોને વેક્સિન મળશે?
11 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કોરોના રસીકરણ અભિયાન અંગે ચર્ચા કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ વિગતવાર જણાવ્યું હતું કે પહેલા તબક્કામાં કોને વેક્સિન આપવામાં આવશે.
પીએમ મોદીએ કહ્યું હતું કે,”પ્રથમ કોરોના વેક્સિન એવા લોકો સુધી પહોંચાડવામાં આવશે કે જેઓ દેશવાસીઓના સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાત-દિવસ મહેનત કરે છે. સરકારી હોય કે ખાનગી, હેલ્થ વર્કર્સને પહેલા વેક્સિન આપવામાં આવશે. આ ઉપરાંત અમારા બાકીના ફ્રન્ટલાઈન વર્કર્સ, પોલીસ, કેન્દ્રીય દળ, સૈન્ય દળ, નાગરિક સંરક્ષણને પ્રથમ તબક્કામાં વેક્સિન આપવામાં આવશે.”
પીએમએ કહ્યું, “દેશના જુદા જુદા રાજ્યોમાં ફ્રન્ટલાઈન અને આરોગ્ય કર્મચારીઓની સંખ્યા આશરે 3 કરોડ છે. પહેલા તબક્કામાં આ 3 કરોડની વેક્સિન આપવામાં આવશે તે નક્કી કરવામાં આવ્યું છે.”
પીએમ મોદીએ કહ્યું હતું કે, પહેલા તબક્કાની વેક્સિનેશનનો ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવશે. તેમણે જણાવ્યું કે બીજા તબક્કામાં, જેમની ઉંમર 50 વર્ષ કે તેથી વધુ છે તેમને રસી આપવામાં આવશે.
