જૂનાગઢ ભાવેશ રાવલ: દેશના પૂર્વ વડાપ્રધાન સ્વ.અટલ બિહારી વાજપેયીના જન્મ દિવસ નિમિત્તે આજ રોજ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સરદાર પટેલ સભાગૃહ ખાતે સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પૂર્વ મંત્રી ગોરધન ઝડફીયા, જૂનાગઢ માર્કેટીંગ યાર્ડના ચેરમેન કિરીટ પટેલ તથા અધિકારીઓની ઉપસ્થિતિમાં રાજ્ય સરકારશ્રીની વિવિધ યોજના હેઠળ ખેડૂતોને સાધન સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું.
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સભાગૃહ ખાતે સુશાસન દિવસની ઉજવણી અંતર્ગત પૂર્વ મંત્રી ગોરધન ઝડફીયા, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો.ચોવટીયા, જિલ્લા સહકારી બેન્કના ચેરમેન ડોલર કોટેચા, ડીડીઓ પ્રવિણ ચૌધરી સહિતના અધિકારીઓ પદાધિકારીઓએ પ્રાકૃતિક ખેત પેદાશો કરતા ખેડૂતોના સ્ટોલની મુલાકાત લીધી હતી.
ખેડૂતોને સંબોધન કરતા પૂર્વ મંત્રી ઝડફીયાએ રાજ્ય સરકારશ્રીની ખેડૂત લક્ષી યોજના વિશે માહિતી આપી કૃષિ કાયદાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપી ખેડૂતોને ગુમરાહ કરતા લોકોથી સાવચેત રહેવા જણાવ્યુ હતુ. આ કાર્યક્રમ અંતર્ગત રાજ્ય સરકારશ્રીની ખેડૂત કલ્યાણ સહિત વિવિધ યોજના હેઠળ લાભાર્થીઓને છત્રી, જીવામૃત બનાવવા નિદર્શન કીટ, વિકલાંગ સાધન સહાય સહિતની વિવિધ યોજના અંતર્ગત સાધન સામગ્રી સાથે સહાય આપવામાં આવી હતી.
