વિનય પરમાર,રાજકોટ: શહેરમાં એક સપ્તાહમાં હનીટ્રેપનો બીજો બનાવ નોંધાયો છે. ગોંડલના શેમળાના પ્રૌઢને ભેંસ જોવાના બહાને બોલાવી માર મારીને ૧૦ લાખની માગણી કરાયાના બનાવ પછી મૂળ મેંદરડાના વતની અને હાલ મોરબીમાં રહેતા કેમિકલના ધંધાર્થિ દિપ સંજયભાઇ ગાજીપરા અને તેના ભાગીદાર શૈલેષ હેમુભાઇ ગોરીયાને રાજકોટની યુવતીએ મોજ મજા માટે રૂ. ૧૦ હજારમાં લલનાની વ્યવસ્થા કરવાના બહાને રાજકોટ બોલાવ્યા બાદ ૧૦ હજાર લઇ લીધા પછી દિવ્યા, તેના પતિ સહિત ૪ શખસે પોલીસમાં પકડાવી દેવાનો ભય બતાવી ગળે છરી રાખીને રૂ. બે લાખની માગણી કરી ખિસ્સામાંથી ૬,૫૦૦ લૂંટી લીધા હતા. તેમજ ફરિયાદીના મિત્રને પૈસા લેવા મોરબી મોકલી ભોગ બનનારે અટકાયતમાં રાખી એટીએમમાંથી ૧૦ હજાર ઉપાડી લીધાની ફરિયાદ નોંધાઇ છે. પોલીસે બે આરોપીને સકંજામાં લઇ અન્યની શોધખોળ ચાલુ રાખી છે.
પ્રાપ્ત વિગત મુજબ, મૂળ મેંદરડાના વતની અને હાલ મોરબીમાં ત્રાજપર ચાર રસ્તા નજીક મધુવન સોસાયટીમાં રહેતા પટેલ દિપ સંજયભાઇ ગાજીપરા (ઉ.વ.૨૧) એ કુવાડવા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે વિજય બાબુભાઇ ઉર્ફે નાગાજણ ગરચર (ભગવતીપરા), ગુણવંત રાજુભાઇ મકવાણા, તેની પત્ની દિવ્યા ગુણવંત(રહે, વાણીયાવાડી) અને ભગવતીપરામાં બોરીચા સોસાયટીમાં રહેતા અશોક કોળીના નામ લખાવ્યા છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, તેના ભાગીદાર શૈલેષના એક મિત્રને ફેસબુકથી સંપર્કમાં આવેલી રાજકોટની દિવ્યા મકવાણાએ મોજ મજા માટે લલનાની વ્યવસ્થા કરી આપવાની વાત કરી હતી. શૈલેષે આ વાત ભાગીદાર દીપને કરતા દિપે ફોન કરીને દિવ્યાનો સંપર્ક કર્યો હતો. દિવ્યાએ ત્રણ વ્યક્તિ વચ્ચે એક નાઇટના એક નાઇટના ૧૫ હજાર કહ્યા પછી ૧૦ હજારમાં ડીલ નક્કી થઇ હતી. દિવ્યાએ વોટસએપમાં કેટલીક યુવતીના ફોટા મોકલી છોકરી પસંદ કરવા અને સાંજે ૫ વાગે મોરબી ચોકડીએ આવી જવાનું કહ્યું હતું. નક્કી થયા મુજબ દીપ અને શૈલેષ કાર લઇને મોરબી રોડ ચોકડીએ આવ્યા હતા અને ત્યાં હાજર દિવ્યાને કારમાં બેસાડી હતી. દિવ્યાએ કહ્યા પ્રમાણે કાર બેડી ફાટક પાસે કાચા રસ્તે લઇ ગયા ત્યારે દિવ્યાએ એડવાન્સ ૧૦ હજાર લઇ માગીને લઇ લીધા હતા. દરમિયાન અચાનક સામે આવી ગયેલા વિજય, ગુણવંત અને અશોકે તેને અટકાવ્યા હતા અને શું કરો છો? દારુ પીવો છો? તેમ કહી મોઢા સૂંઘ્યા હતા તેમજ અમારા ખેતરમાંથી કૂવાની પાંચ મોટર ચોરી થઇ છે એ તમે ચોરી ગયા છો તેવો આરોપ મૂકીને પોલીસને જાણ કરવાની ધમકી આપી બે લાખની માગણી કરી હતી.
ત્યાર બાદ એક શખસ દિવ્યાને સ્કૂટરમાં બેસાડીને લઇ ગયો હતો અને બાકીના શખસે શૈલેષને તમાચો મારી દીપના ગળે છરી રાખીને બે લાખ દેવા પડશે તેવી ધમકી આપી હતી. ડરી ગયેલા દીપે એક લાખની વ્યવસ્થા થઇ જશે તેમ કહ઼ેતા દીપને અટકાયતમાં રાખી તેના ભાગીદાર શૈલેષને કાર આપી પૈસાની વ્યવસ્થા કરવા મોકલ્યો હતો. આરોપીએ દીપના ખિસ્સામાંથી રૂ. ૬,૫૦૦ કાઢી લીધા પછી દીપને સ્કૂટરમાં હડમતીયા સ્ટેશન નજીક લઇ જઇ એટીએમમાંથી બીજા ૧૦ હજાર કઢાવીને લઇ લીધા હતા. આરોપીઓએ દીપ પાસે તેના મિત્રોને ફોન કરાવીને અકસ્માત નડ્યો છે તેમ કહી એક લાખની વ્યવસ્થા માટે ફોન કરાવ્યા હતા પરંતુ મેળ પડ્યો ન હતો. બીજી તરફ પૈસાની વ્યવસ્થા કરવા ગયેલા શૈલેષે પોલીસને જાણ કરી દેતા કુવાડવાના પીઆઇ એમ.સી.વાળા, પીએસઆઇ બી.પી. મેઘલાતર સહિતના સ્ટાફે છટકું ગોઠવ્યું હતું. અને શૈલેષ પાસે દીપને ફોન કરાવી પૈસાની વ્યવસ્થા થઇ ગઇ છે તેમ કહી બેડી યાર્ડ બોલાવ્યા હતા. જ્યાં અગાઉથી મજૂરના વેશમાં વોચમાં રહેલા પોલીસ સ્ટાફે પૈસા લેવા આવેલા વિઝય અને ગુણવંતને ઝડપી લઇ દીપને મુક્ત કરાવ્યો હતો. દિવ્યા અને અશોકની શોધખોળ ચાલુ છે.
દંપતી સહિતના ગેંગ અગાઉ પણ હનીટ્રેપના ગુનામાં પકડાઇ હતી
પોલીસ તપાસમાં બહાર આવેલી વિગત મુજબ, દિવ્યા અને તેના પતિ સહિતના શખસો દોઢ વર્ષ અગાઉ પણ આ ઢબે હનીટ્રેપમાં લોકોને ફસાવી પૈસા પડાવવાના ગુનામાં પકડાઇ ચૂક્યા હતા. કોવીડ ટેસ્ટ પછી રિમાન્ડ મેળવી પૂછપરછ કરાશે.
