કેન્દ્ર સરકારની કેબિનેટની બેઠકમાં આજે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા અને અનેક યોજનાઓને મંજૂરી આપવામાં આવી હતી. રોજગાર સંકટને દૂર કરવા માટે કેબિનેટે આજે આત્મનિર્ભર ભારતની રોજગાર યોજનાને મંજૂરી આપી છે. વર્તમાન નાણાકીય વર્ષમાં આ યોજના માટે 1584 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. ઉપરાંત આ યોજનામાં 2020-23માં કુલ 22,810 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. 58.5 લાખ કર્મચારીઓને આ યોજનાનો લાભ મળશે. કેન્દ્રીય શ્રમ પ્રધાન સંતોષ ગંગવારે મંત્રીમંડળની બેઠક બાદ આ માહિતી આપી હતી.
જણાવી દઈએ કે,આ યોજના 1 ઓક્ટોબર 2020ના રોજ લાગુ હોવાનું માનવામાં આવશે અને આ યોજના 30 જૂન 2021 સુધી રહેશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રિય મંત્રીમંડળની બેઠકમાં આ યોજનાને મંજૂરી આપવામાં આવી છે.
ડિજિટલ ઈન્ડિયાને મજબૂત બનાવવાની યોજના
કેબિનેટે ડિજિટલ ઈન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે પીએમ-પબ્લિક વાઇ-ફાઇ એક્સેસ નેટવર્ક ઇંટરફેસ (પીએમ-વાણી)ને પણ મંજૂરી આપી છે. આ અંતર્ગત દેશમાં જાહેર ડેટા ઓફિસ ખોલવામાં આવશે. આ માટે કોઈ લાઇસન્સ, નોંધણી અથવા ફીની જરૂર રહેશે નહીં. સમાચાર એજન્સી પી.ટી.આઈ.ના જણાવ્યા અનુસાર કેબિનેટે એક કરોડ ડેટા સેન્ટરો સ્થાપવાની પણ મંજૂરી આપી છે.
કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીયમંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું,”કેબિનેટે દેશમાં એક વિશાળ વાઇ-ફાઇ નેટવર્ક પ્રદાન કરવા માટે પીએમ-વાઇ-ફાઇ એક્સેસ નેટવર્ક ઇન્ટરફેસ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. દેશમાં સાર્વજનિક ડેટા કેન્દ્રો ખોલવામાં આવશે. આ માટે કોઈ લાઇસન્સ ફી કે રજિસ્ટ્રેશન થશે નહીં.”
રવિશંકર પ્રસાદે એમ પણ માહિતી આપી હતી કે, કેબિનેટે કોચિ અને લક્ષદ્વીપ વચ્ચે સબમરીન ઓપ્ટિકલ ફાઇબર કેબલ નાખવાના પ્રસ્તાવને પણ મંજૂરી આપી દીધી છે.
અરુણાચલ પ્રદેશના ગામમાં મોબાઇલ કવરેજ
કેન્દ્રીય કેબિનેટે ઉત્તર પૂર્વીય ક્ષેત્ર માટેના વ્યાપક ટેલિકોમ વિકાસ યોજના હેઠળ અરુણાચલ પ્રદેશ અને આસામના બે જિલ્લાઓમાં મોબાઇલ કવચ પૂરા પાડવાની યુએસઓએફ યોજનાને મંજૂરી આપી છે. આ યોજના અંતર્ગત આવા 2374 ગામોને મોબાઇલ કવરેજ સાથે જોડવામાં આવશે જે હજી સુધી બાકી હતાં.
