રાત્રી કર્ફ્યુથી મુક્તિ નહીં મળે તો પોલીસ પ્રોડકશનનો કરીશું બહિષ્કાર,કોણે આપી આવી ચીમકી

વિનય પરમાર,રાજકોટ: શહેર સહિત દેશભરમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. ત્યારે કોરોનાની મહામારીને પહોંચી વળવા સરકાર દ્વારા લોકડાઉન બાદ રાત્રી કર્ફ્યુ અમલમાં મૂક્યો છે. ત્યારે રાજકોટમાં કર્ફ્યુનુ પાલન કરાવવા ફરજ પર રહેલા પોલીસ જવાનો જનતા સાથે બેહુર્દુ વર્તન કરતા હોવાના અનેક કિસ્સાઓ બહાર આવ્યા છે. ત્યારે બે દિવસ પૂર્વે યુવા એડવોકેટને રાત્રી કર્ફ્યુ દરમિયાન રોકી ગેરવર્તણુક કરનાર પોલીસ તંત્ર સામે રાજકોટ બાર એસોસિએશને બાંયો ચડાવી હોય તેમ વકીલોને રાત્રી કર્ફ્યુમાંથી મુકિત અપાવવા પોલીસ કમિશ્નરને રજૂઆત કરાઈ છે અને જો 24 કલાકમાં એડવોકેટોને રાત્રી કર્ફ્યુમાંથી મુકત કરતું જાહેરનામુ પ્રસિધ્ધ નહીં કરાય તો પોલીસ પ્રોડકશન સહિતની કામગીરીનો બહિષ્કાર અને ઉપવાસ આંદોલનની વકીલોએ ચિમકી ઉચ્ચારતા ખળભળાટ મચી ગયો છે.

રાજ્યમાં કોરોનાના કેસો વધતાં રાજ્ય સરકાર દ્વારા ચાર મહાનગરપાલિકામાં રાત્રી કર્ફ્યુ અમલમાં મૂક્યું છે. જેમાં રાજકોટ શહેરમાં વધી રહેલા કોરોનાના કેસને લઈને રાત્રી કર્ફ્યુનો સખત અમલ થઈ રહ્યો છે. ત્યારે રાજકોટ શહેર પોલીસ અને જનતા વચ્ચે રાત્રી કર્ફ્યુના મુદ્દે અવાર નવાર નજીવા પ્રશ્ર્ને તકરાર થયાના અનેક બનાવો પ્રકાશમાં આવ્યા છે. ત્યારે બે દિવસ પૂર્વે કેકેવી ચોકમાં રાત્રી કર્ફયુ દરમિયાન નિકળેલા યુવા એડવોકેટ સાથે ફરજ પર રહેલા પોલીસ જવાનોએ ગેરવર્તણુક કરી હતી.

રાજકોટમાં એડવોકેટ સાથે પોલીસ તંત્રની ગેરવર્તણુકને પગલે વકીલોમાં રોષ ભભૂક્યો હતો. જેના પગલે રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ બકુલ રાજાણી સહિતના વકીલોએ ડિસ્ટ્રીકટ જજ સમક્ષ રજૂઆત કરી હતી.

રજૂઆતના પગલે ડિસ્ટ્રીકટ જજે પોલીસ કમિશ્નરને બોલાવ્યા હતા. ડિસ્ટ્રીકટ જજ અને પોલીસ કમિશ્નર વચ્ચે થયેલી ચર્ચા બાદ પોલીસ કમિશ્નરે વકીલોને પોલીસ કમિશ્નર કચેરી ખાતે મળવા બોલાવ્યા હતા. બાર એસોસિએશનના પ્રમુખ બકુલ રાજાણી સહિતના વકીલોએ પોલીસ કમિશ્નરને આવેદન પત્ર પાઠવ્યું હતું. જેમાં રાત્રી કર્ફ્યુ દરમિયાન રાજકોટ પોલીસ કમિશ્નર દ્વારા ડોકટર, મેડીકલ સ્ટાફ, પત્રકારો અને અન્ય અવશ્યક જરૂરીયાત માટે ફરજ બજાવતાં કર્મચારીઓને કર્ફ્યુમાંથી મુકિત આપવામાં આવેલી છે. તે જ રીતે વકિલો પણ પોતાના અસીલને ન્યાય અપાવવા માટે રાત્રીના સમયે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં જવાની જરૂરીયાત પડતી હોય તદઉપરાંત અનેક અન્ય કારણસર વકીલોએ રાત્રીના સમયે પણ તેમની ઓફીસ કે અન્ય જગ્યાએ ન્યાયીક પ્રક્રિયાના ભાગરૂપે જવાની જરૂરીયાત પડતી હોય છે.

જેથી કાનૂનના રક્ષક તરીકે તમામ વકીલોને પણ આવશ્યક સેવામાં આવરી લઈ કર્ફ્યુમાંથી મુકિત આપવા રજૂઆત કરવામાં આવી હતી અને જો 24 કલાકમાં વકીલોને રાત્રી કર્ફ્યુમાંથી મુકિત આપતું પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં નહીં આવે તો બાર એસોસિએશન દ્વારા પોલીસ પ્રોડકશન સહિતની તમામ કાર્યવાહીનો બહિષ્કાર કરવામાં આવશે અને બાર એસોસિએશનના પ્રમુખ બકુલ રાજાણી સહિતના વકીલો ઉપવાસ આંદોલન ઉપર ઉતરશે તેવી ચિમકી ઉચ્ચારતાં ખળભળાટ મચી ગયો છે. આ તકે રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ બકુલ રાજાણી, ગોપાલભાઈ ત્રિવેદી સહિતના વકીલો ઉપસ્થિત રહ્યા હતા.

ગુરૂવારે રાત્રે વકીલ અને પોલીસ વચ્ચે માથાકુટ થયેલ

ગુરૂવારની રાત્રે રાત્રી કર્ફ્યુ દરમિયાન બાર એસોસિએશનના સભ્ય પિયુષ સખિયા કેકેવી ચોકમાં પસાર થઈ રહ્યા હતા. ત્યારે પીએસઆઈ સિંધવ સહિતના સ્ટાફે તેઓને રોકી બેહુર્દુ વર્તન કર્યું હતું. આ ઘટના અંગે જાણ થતાં જ બાર એસોસિએશનના પ્રમુખ બકુલ રાજાણી, શ્યામલ સોનપાલ અને વિનેશ છાયા સહિતના વકીલો રાત્રીના કેકેવી ચોકમાં ધસી ગયા હતા. જ્યાં વકીલ અને પોલીસ જવાનો વચ્ચે બોલાચાલી થઈ હતી. બાદમાં બાર એસોસિએશનના પ્રમુખ બકુલ રાજાણીએ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ સાથે ટેલીફોનીક સંર્પક કરી રજૂઆત કરી હતી. જેને પગલે વકીલોને રાત્રી કર્ફ્યુ દરમિયાન નહીં અટકાવવામાં આવે એવી બાહેંધરી આપતા અને પીએસઆઈ સિંધવે માફી માંગતા મામલો થાળે પડ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap