રવિ નિમાવત, મોરબી: મોરબીમાં ત્રણ યુવાનો ઝઘડો કરવાના ઈરાદે જ બહાર નીકળ્યા હોય તેમ પહેલા ટ્રાવેલ્સ ધંધાર્થી સાથે ડખ્ખો કરી મારામારી કરી બાદમાં માર્કેટિંગ યાર્ડ પાસે નાસ્તો કરવા પહોંચ્યા તો નાસ્તાના ધંધાર્થીને છરીના ઘા ઝીંકી દઈને હત્યાનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહિ બાદમાં પ્રેમિકાની બહેન અને ભાઈ સાથે પણ ઝઘડો કર્યો હતો. જે સમગ્ર બનાવ મામલે પોલીસે અલગ અલગ ચાર ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.
મોરબીમાં ત્રણ શખ્શોએ મચાવેલા આતંક મામલે કુલ ચાર પોલીસ ફરિયાદ નોંધાઈ હોય. જેમાં પ્રથમ ફરિયાદમાં મોરબીના લાતીપ્લોટમાં રહેતા અને ખોડીયાર ટ્રાવેલ્સના ડ્રાઈવર રમેશ શંકર શેખાણીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, રીક્ષા વચ્ચે રાખવા મામલે આરોપી સાગર નવઘણ મુંઘવા, સાગર દેલવાડિયા અને કુલદીપ જેડા એ ત્રણ ઇસમોએ મારામારી કરી હતી અને છરી વડે ઈજા પહોંચાડી હતી બાદમાં ત્રણેય શખ્શો મોરબીના માર્કેટિંગ યાર્ડ પાસે નાસ્તો કરવા પહોંચ્યા હતા. જ્યાં પણ માથાકૂટ થવા પામી હતી જે બનાવ મામલે ફરિયાદી સાગર મનસુખ દેલવાણીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તે મિત્રો સાગર નવઘણ મુંઘવા અને કુલદીપ સરદારજી સાથે માર્કેટિંગ યાર્ડ પાસે નાસ્તો કરવા ઉભા હોય. નાસ્તાવાળા સંજયભાઈને પ્રેમિકા ચેતના સાથે સંબંધ હોવાની વાત કરી હતી ત્યારે સંજયભાઈ ગાંઠીયાવાળાએ ઉશ્કેરાઈ જઈને થાય તે કરી લેજે કહીને બોલાચાલી કરી હતી ત્યારે મારામારી થઇ હતી જેમાં સાગરને લાકડાના ધોકામથી અને છરી વડે માર મારી ઈજા પહોંચાડી હોવાની ફરિયાદ નોંધાવી છે.
તો બાદમાં મારામારીનો મુખ્ય સુત્રધાર એવો સાગર મુંઘવા પ્રેમિકાના ઘરે પહોંચ્યો હતો. જ્યાં પ્રેમિકાની બહેન અને ભાઈ સાથે માથાકૂટ થઇ હતી જેમાં ત્રીજી ફરિયાદમાં સાગર ઉર્ફે ચોટી નવઘણ મુંઘવાએ પોલીસ ફરીયાદ નોંધાવી છે. લાઈન્સનગરમાં રહેતી પ્રેમિકા ચેતના વાઢાંરાના ઘરે ગયો હોય ત્યારે ચેતનાની બહેન સોનલ વાઢાંરા આવીને કેમ સંજય ગાંઠીયાવાળાને મારેલ કહીને ગાળો આપી ઝપાઝપી કરી હતી અને સોનલના ભાઈ કલ્પેશ ઉર્ફે ભાવેશ નવીનભાઈ વાઢાંરા ઘરમાંથી તલવાર લઇ આવી ઊંઘી તલવારથી હાથ અને પગમાં માર મારી ઈજા પહોંચાડી હતી તો નાસ્તાના ધંધાર્થીને છરીના ઘા ઝીકી જીવલેણ ઈજા કરવામાં આવી હોય જે મામલે નાસ્તાના ધંધાર્થી સંજય સોમૈયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે સાગર મુંઘવા, સાગર દેલવાણીયા અને કુલદીપ સરદારજી એ ત્રણ ઇસમોએ માર્કેટિંગ યાર્ડ નજીક તેની નાસ્તાની લારીએ આવી મારામારી કરી હતી અને સંજય સોમૈયાને છરીના ત્રણથી ચાર ઘા ઝીંકી દેતા ગંભીર ઈજા પહોંચતા રાજકોટ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે જે ચારેય ફરિયાદ નોંધી પોલીસે વધુ તપાસ ચલાવી છે હાલ તો આરોપી તેમજ ભોગ બનનાર હોસ્પિટલ માં હોય જેની સારવાર બાદ ધરપકડ કરાશે તેવી માહિતી પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત થઇ છે.
