પાકિસ્તાનમાં શનિવારે મોડી રાત્રે ઘણા મોટા શહેરો અંધકારમાં ગરકાવ થઈ ગયા હતા. વીજ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું હતું કે, પાવર ટ્રાન્સમિશન સિસ્ટમની ફ્રીક્વન્સીમાં અચાનક ઘટાડો થવાને કારણે દેશમાં બ્લેકઆઉટ થયો છે. કરાચી, લાહોર, ઇસ્લામાબાદ, મુલ્તાન અને રાવલપિંડી જેવા મોટા શહેરો પાકિસ્તાનના આ બ્લેકઆઉટથી પ્રભાવિત થયા હતા. વીજળી ગુલ થયા બાદ લોકોએ સોશિયલ મીડિયા પર ફરિયાદ કરી રહ્યા હતાં.
પાકિસ્તાનના ઉર્જામંત્રી ઓમર અયુબ ખાને ટ્વિટર પર લખ્યું, “પાવર ટ્રાન્સમિશન સિસ્ટમમાં ફ્રીક્વન્સીમાં અચાનક ઘટવાના કારણે દેશવ્યાપી બ્લેકઆઉટ થયું.”
ઓમર અયુબ ખાનના મતે નેશનલ પાવર ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમમાં ફ્રીક્વન્સી 50થી ઘટીને શૂન્ય પર પહોંચી ગયું હતું, જેના કારણે બ્લેકઆઉટ થયું.
એક પછી એક ટ્વીટમાં ઉર્જામંત્રી કહ્યું કે, તમામ ટીમો વીજળીને શરૂ કરવાના કામમાં લાગી છે. માહિતી મંત્રી શિબલી ફરાજે પણ શનિવારે રાત્રે 1 વાગ્યે ટ્વીટ કર્યું હતું કે એનટીડીસી સિસ્ટમમાં તકનીકી ખામી છે, જે સુધારી રહી છે.
પાકિસ્તાનના ઉર્જા મંત્રાલયના જણાવ્યા અનુસાર ઘણા શહેરોમાં વીજળી ચાલુ કરવાનુ કામ ચાલી રહ્યું છે.
ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર બ્લેકઆઉટ વિશે ફરિયાદ કરી હતી, જ્યારે ઘણા લોકોએ મીમ્સ શેર કર્યા હતા.
