જામનગર: આજે સાંજે રાજ્યભરના જિલ્લા અને શહેર સંગઠનના હેદ્દેદારોની નિમણુકને સતાવાર જાહેર કરાઈ છે. કેટલાય સમયથી ભાજપના સંગઠનમાં નવી બોડીને લઈને અનેક નામની ચર્ચાઓ થઇ રહી હતી. આ ચર્ચાઓ વચ્ચે આજે જાહેર કરાયેલ યાદીમાં જામનગર શહેરની કમાન યુવા અને શિક્ષિત નેતાને સોંપવામાં આવી છે.
જેની કેટલાય સમયથી રાહ જોવામાં આવતી હતી તે ભાજપએ સંગઠનના હોદ્દેદારોની યાદી જાહેર કરી છે. આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓ આવી રહી છે. આમ પણ સ્થાનિક સ્વરાજ્યમાં ભાજપનો હાથ હમેશ નીચો રહ્યો છે. જેમાં કોગ્રેસ બાજી મારી જાય છે ત્યારે આ વખતે પુરા જોશથી લડવા માટે ભાજપાને જામનગર જીલ્લાની કમાન પીઢ કાર્યકર રમેશ મુંગરાને સોંપી છે. જો કે સ્થાનીક જીલ્લા ભાજપ માટે આ નિમણુક આશ્ચર્ય જનક ચોક્કસથી કહી સકાય કેમ કે જીલ્લામાં માત્ર એક જ નામની ચર્ચા હતી અને તે નામ પૂર્વ કેબીનેટ મંત્રી ચીમન સાપરિયાનું બોલાતું હતું. જેને લઈને જીલ્લામાં કોઈ સ્પર્ધા પણ ન હતી. ત્યારે ભાજપે પરંપરા જાળવી અલગ જ નામ પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. રમેશભાઈ ભૂતકાળમાં જામનગર લોકસભા લડી ચુક્યા છે જેમાં તેઓની હાર થઇ હતી.
જયારે શહેર માટે બે મહિલા અને બે પુરષ કાર્યકર વચ્ચે સ્પર્ધા હતી. આ ચારમાં પૂર્વ મંત્રી વશુબેન ત્રીવેદી, પૂર્વ મેયર અમીબેન પરીખ જ્યારે પૂર્વ શહેર પ્રમુખ નીલેશ ઉદાણી અને હાલના મહામંત્રી વીમલ કગથરાના નામ આગળ ચાલ્યા હતા. જો કે ભાજપાએ આ ચાર પૈકી વિમલ કગથરાને શહેરની કમાન સોંપી છે. આગામી સમયમાં મહાનગરપાલિકાની ચુંટણી આવી રહી છે ત્યારે આ નવા પ્રમુખ માટે મહાનગરપાલિકા જાળવી રાખવી એ પણ ચુનૌતી હશે. વિમલભાઈ મૂળ શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલ છે અને વેલ એજ્યુકેટેડ પણ છે, કાર્યકરોને સાથે રાખી હોદ્દેદારો વચ્ચે સમન્વય જાળવવામાં તેઓની માસ્ટરી છે. સંગઠનની મહામંત્રી તરીકેની જવાબદારી સફળતા પૂર્વક બજાવી ચૂકેલ કગથરા સમૂહને સાથે રાખી ચાલવા વાળા હોવાથી તેઓની નિમણુક થઇ હોવાનું પણ ભાજપના આગેવાનોએ મત દર્શાવ્યો છે.
