નવી દિલ્હી: નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં ચાલી રહેલા આંદોલન વચ્ચે શાહીન બાગ વિસ્તારમાં ગોળીબાર કરનાર કપિલ ગુર્જરને પહેલા ભાજપમાં સામેલ કરવામાં આવ્યો હતો, પરંતુ થોડા કલાકો બાદ તેમનું સભ્યપદ રદ કરવામાં આવ્યું હતું. કપિલ ગુર્જર ઉર્ફે કપિલ બૈસલા બુધવારે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માં જોડાયો હતો. જો કે મીડિયામાં સમાચાર વહેતા થયા બાદ ભાજપે કપિલ ગુર્જરનું સભ્યપદ રદ કર્યું હતું.
કપિલના ભાજપમાં શામેલ થયા બાદ વિપક્ષી પાર્ટીઓએ પ્રહારો કરવાનું શરૂ કર્યું હતું. સભ્યપદ રદ કરવા અંગે ભાજપના મહાનગર અધ્યક્ષ સંજીવ શર્મા કહે છે કે તેમની માન્યતા મુજબ શાહીન બાગ પર કપિલ ગુર્જર ફાયરિંગનો કોઈ કેસ નથી. જોકે આ બાબતની જાણ થતા જ કપિલ ગુર્જરની સદસ્યતા રદ કરી દેવામાં આવી હતી.
માહિતી અનુસાર, શાહીન બાગ પર ગોળીબાર કરનાર કપિલ ગુર્જરને કેન્દ્રિય ભાજપના નેતૃત્વના ફટકાર બાદ પાર્ટીમાંથી બાહર કરી દેવામાં આવ્યો હતો. તેમજ આ સંદર્ભે પ્રદેશ ભાજપ અને ગાઝિયાબાદ ભાજપ જિલ્લા પ્રમુખ પાસે જવાબ માંગવામાં આવ્યો છે. જિલ્લા પ્રમુખ કહે છે કે, મને કપિલ ગુર્જર વિશે ખબર નહોતી, તે ભૂલથી પાર્ટીમાં શામેલ થયો હતો.
