વિનય પરમાર,રાજકોટ: અભય ભારદ્વાજના નિધન બાદ રાજ્યસભાની બેઠક ખાલી પડી છે. તો બીજી તરફ, કોંગ્રેસના નેતા અહેમદ પટેલના નિધન બાદ પણ વધુ એક બેઠક ખાલી પડી છે. આવામાં જલ્દી જ રાજ્યસભાની ચૂંટણી યોજાય તેવા ભણકારા વાગી રહ્યાં છે. આવામાં રાજકોટથી રાજ્યસભાની ચૂંટણી અંગે મોટા સમાચાર સામે આવ્યા છે.
રાજકોટના નિતીન ભારદ્વાજને ટિકિટ મળે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે, કે નીતિન ભારદ્વાજ એ અભય ભારદ્વાજના નાના ભાઈ છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના કાર્યકર્તાઓએ ભારદ્વાજ પરિવારને જ આ ટિકિટ મળે તેવી લાગણી વ્યક્ત કરી છે. અભય ભારદ્વાજના નિધન બાદ આ બેઠક રાજકોટના ફાળે જ જાય તેવી શક્યતા દેખાઈ રહી છે. તો બીજી તરફ, મુખ્યમંત્રી પણ રાજકોટના છે અને અભય ભારદ્વાજ તેમના કોલેજકાળના મિત્ર હતા. આવામાં નીતિન ભારદ્વાજને ટિકિટ ફાળવણીની શક્યતાઓ વધુ દેખાઈ રહી છે.
નીતિન ભારદ્વાજ રાજકોટમાં ભાજપના અગ્રણી નેતા છે. અગાઉ રાજકોટ પશ્વિમ વિધાનસભા, સુરેન્દ્રનગર લોકસભા, જૂનાગઢ અને લીંબડી બેઠકના પ્રભારી રહી ચૂક્યા છે. હાલમાં પણ પ્રભારી છે. પ્રદેશ હોદ્દેદારોમાં પણ નિતીન ભારદ્વાજનું નામ ચર્ચામાં છે, ત્યારે મહત્વનો હોદ્દો મળી શકે છે. નીતિન ભારદ્વાજ રાજકોટ મનપામાં બે વખત સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન રહી ચૂક્યા છે.
વર્ષ 2005-2006 અને વર્ષ 2014-2015 માં તેઓ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા. તો વર્ષ 2006 થી 2009 સુધી રાજકોટ શહેર ભાજપના પ્રમુખ રહી ચૂક્યા છે. ભાઈ અભય ભારદ્વાજની જેમ તેઓ પણ વિદ્યાર્થી કાળથી સંઘ સાથે જોડાયેલા હતા. કોલેજ સમયે અઇટઙ કાર્યકર્તા હતા.
જૂનાગઢ મનપાની ચૂંટણી સમયે તમામ મુખ્ય જવાબદારી નીતિન ભારદ્વાજના સિરે હતી. તો સાથે જ સુરેન્દ્રનગર લોકસભા, તાજેતરની લીંબડી વિધાનસભાની પેટાચૂંટણી, રાજકોટ પશ્ચિમ વિધાનસભા જવાબદારી નીતિન ભારદ્વાજના સિરે હતી. આ તમામ મુખ્ય જવાબદારી તેઓએ સફળતાપૂર્વક ખૂબ સારી રીતે પાર પાડી હતી.
ભાજપ પાસે રાજ્યસભામાં હાલ 93 બેઠકો છે અને સૌથી મોટો પક્ષ છે. ભાજપ એકલા હાથે રાજ્યસભામાં બહુમતી મેળવવા માંગે છે અને એટલે જ એક-એક બેઠક માટે એડીચોટીનું જોર લગાવે છે. રાજ્યસભામાં ભાજપને બહુમતી મળે તો અન્ય પક્ષો પરનો આધાર ઘટે અને પોતાના એજન્ડા, વચનો અનુસારના કાયદા પસાર કરાવવામાં સરળતા રહે.
