સરકારી એરલાઈન્સ કંપની ‘મહારાજા’ એર ઇન્ડિયાના ડિસઇન્વેસ્ટમેન્ટ માટે એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ (EoI) આપવાનો સમય ખતમ થઈ ગયો છે. કંપનીઓ EoI આપીને સરકારી ફર્મને ખરીદવાની ઇચ્છા વ્યક્ત કરે છે. સોમવારે સૂત્રોએ એર ઇન્ડિયા માટે રાહતના સમાચાર આપ્યા છે. ઈન્ડિયન એક્સપ્રેસ અનુસાર ટાટા સન્સે એર ઇન્ડિયા ખરીદવાની ઇચ્છા વ્યક્ત કરી છે. આ સિવાય એરલાઇન કંપનીના કર્મચારીઓ અને અમેરિકન ફર્મ લાશા ગ્રુપ પણ એર ઇન્ડિયા ખરીદવાની ઇચ્છા વ્યક્ત કરી છે.
એરલાઇન્સ ખરીદવા માટે આવેદન કરવાની અંતિમ તારીખ 14 ડિસેમ્બરે સાંજે 5 વાગ્યે સમાપ્ત થઈ છે. સરકાર 5 જાન્યુઆરીએ એર ઈન્ડિયાના સત્તાવાર ખરીદદારની ઐપચારિક જાહેરાત કરશે. એર ઇન્ડિયાને વેચવાનો સરકારનો આ બીજો પ્રયાસ છે. આ પહેલા સરકારે 2018માં એર ઈન્ડિયાને વેચવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તે પછી કોઈ ખરીદદાર મળી શક્યો ન હતો.
ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ (DIPAM)ના સચિવ તુહિન પાંડેએ જણાવ્યું હતું કે “એર ઈન્ડિયાના ડિસઇન્વેસ્ટમેન્ટ માટે ઘણા બધા એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ મળ્યા છે. હવે આ પ્રક્રિયા બીજા તબક્કામાં જશે.”
અગાઉ સરકારે કેટલાક દેવાની સાથે એર ઇન્ડિયામાં 76 ટકા હિસ્સો વેચવાની ઓફર કરી હતી. પરંતુ આ વખતે સરકાર સંપૂર્ણ 100% હિસ્સો વેચવા માટે તૈયાર છે.
ટાટા ગ્રુપે પણ એર ઈન્ડિયા ખરીદવાની ઇચ્છા વ્યક્ત કરી
સૂત્રોના જણાવ્યા અનુસાર દેશના અગ્રણી વ્યવસાયિક ગ્રુપ ટાટાએ એર ઇન્ડિયા ખરીદવાની ઇચ્છા વ્યક્ત કરી છે. જો કે ટાટા એરલાઇન્સ વિસ્ટારા અથવા એર એશિયા ઇન્ડિયા દ્વારા આ બોલી લગાવાઈ નથી. ટાટાના પ્રવક્તાએ આ અંગે કોઈ ટિપ્પણી કરી નથી.
