વિનય પરમાર,રાજકોટ: ગુજરાતમાં પ્રથમ એવી રાજકોટમાં એઇમ્સના શૈક્ષણિક સત્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આજે 21 ડિસેમ્બરના રોજ રાજકોટના પ્રમુખસ્વામી ઓડિટોરિયમ હોલ ખાતે કેન્દ્રીય આરોગ્યમંત્રી ડો. હર્ષવર્ધન, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, કેન્દ્રીય આરોગ્ય રાજ્યમંત્રી અશ્વિની કુમાર ચોબે, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલા સમારોહમાં રાજકોટ એઇમ્સના શૈક્ષણિક સત્રને ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.

રાજકોટની પ્રથમ બેચમાં વિવિધ રાજ્યના નીટની પરીક્ષામાં સફળ થયેલા 50 છાત્રોને એડમિશન મળયું છે. ભાવી તબીબોને કારકીર્દી અંગેની શુભકામના પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે વિધાર્થીઓને શુભકામના પાઠવી કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. હર્ષ વર્ધને જણાાવ્યું હતું કે, દેશમાં મેડીકલ સેવાઓને ગુણવતાયુકત કરવા માટે એઇમ્સની સંખ્યા વધારવામાં આવી રહી છે. વર્ષ 2021માં એક હજારની વસતીએ એક તબીબની સેવા મળી રહે તે માટે સરકાર કટીબધ્ધ છે. દેશમાં નવી 75 સુપર સ્પેશ્યાલીસ્ટ હોસ્પિટલ શરૂ કરવામાં આવી રહી છે. કોરાનાના સમયમાં તબીબીઓએ મહત્વની સેવા આપી છે. રાજકોટ એઇમ્સને લીધે ગુજરાતમાં આરોગ્યની સેવા વિસ્તરશે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે રાજકોટમાં રૂ.૧૨૦૦ કરોડના ખર્ચે રાજયની પહેલી એઇમ્સ બની રહી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો આભાર માનતા મુખ્યમંત્રીએ કહ્યું કે, એઇમ્સને લીધે ગુજરાતમાં મેડીકલક્ષેત્રે નવા પ્રાણ ફુંકાશે. મુખ્યમંત્રીએ રાજકોટ એઇમ્સના છાત્રોને અભિનંદન પાઠવ્યા હતાં.

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે રાજકોટ ખાતે એઇમ્સના પ્રથમ સત્રના શૈક્ષણિક પ્રારંભ પ્રંસગે જણાવ્યું હતું કે, આ પૂર્વે ગુજરાતના અનેક વિદ્યાર્થીઓને દેશના અન્ય ભાગોમાં તેમજ વિદેશમાં તબીબી શિક્ષણ માટે જવું પડતું હતું. તેમજ શિક્ષણનો બહુ જ મોટો ખર્ચ થતો હતો, ગુજરાતમાં તબીબી અભ્યાસની વિપુલ તકોની સંભાવના ઉભી થતા હવે ગુજરાતમાં જ તેમને શ્રેષ્ઠ અભ્યાસ મળી રહેશે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છના અનેક ગરીબ જરૂરિયાતમંદ લોકોને સસ્તી અને સારી સુવિધા રાજકોટમાં એમ્સના આવવાથી મળશે
કેન્દ્રીય રાજ્ય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી અસ્વીનીકુમાર ચૌબેએ ભારત દેશમાં તબીબી ક્ષેત્રે મોટી સંખ્યામાં ડોકટરોની ઉપલબ્ધી પ્રાપ્ત થાય તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા મંજૂર કરવામાં આવેલ 16 નવી એઇમ્સનું સ્વાગત કર્યું હતું. તેમજ નવી 75 જેટલી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલો પણ નિર્માણ થઈ રહી હોવાનું તેમને જણાવી કહ્યું હતું કે ભારત દેશમાં ગરીબ અને મધ્યમવર્ગના લોકોને ઉત્કૃષ્ટ તબીબી સારવાર મળી રહે તે માટે કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર આગળ કટિબદ્ધ છે.
આ પ્રંસગે સાંસદ મોહનભાઇ કુંડારિયાએ ગુજરાતમાં રાજકોટ ખાતે એઇમ્સના નિર્માણ કાર્યને આગળ વધારવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ના પ્રયાસો અને વહીવટી તંત્રનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકારના સહયોગથી સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટને તબીબીક્ષેત્રે વિદ્યાર્થીઓ તેમજ જરૂરિયાતમંદ દર્દીઓને વિશેષ સારવાર સુવિધા નો લાભ મળશે.

રાજકોટ તેમજ જોધપુર એઇમ્સના ડાયરેક્ટર ડોક્ટર સંજીવ મિશ્રાએ તબીબી શાખામાં પ્રવેશ મેળવનાર તમામ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કર્યું હતું તેમજ વિદ્યાર્થીઓને સફળતાના સૂત્ર આપતા જણાવ્યું હતું કે પ્રમાણિકતા અને શિસ્તબદ્ધ રીતે અભ્યાસ કરી જીવનના ગોલ પર ફોકસ કરી સફળતા પ્રાપ્ત કરવી.
આ તકે તેમણે કેન્દ્રીય મંત્રી તેમજ રાજ્યના મુખ્યમંત્રીશ્રી નો રાજકોટ ખાતે એઇમ્સ શરુ કરવા બદલ આભાર માન્યો હતો.રાજકોટ એઇમ્સના પ્રેસિડન્ટ પ્રોફેસર પી.કે. દવેએ તમામ વિદ્યાર્થીઓનું સ્વાગત કરતાં જણાવ્યું હતું કે દર્દીઓ પ્રત્યે કેરિંગ નેચરની વિભાવના સાથે મેડીકલ પ્રેક્ટિસમાં આગળ વધો તેવા શુભાશિષ પાઠવ્યા હતાં.
આ પ્રસંગે સાંસદ પુનમબેન માડમ, રાજય સભાના સાંસદ અમીબેન યાજ્ઞિક, કલેકટર રેમ્યા મોહન, મ્યુ કમિશનર ઉદીત અગ્રવાલ, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, મેડીકલ કોલેજના ડીન મુકેશજી વિગેરે ઉપસ્થિત રહયા હતાં.
