વિનય પરમાર, રાજકોટ: શહેરમાં હુક્કામાં વપરાતી વિવિધ ફ્લેવરોનું ધૂમ વેચાણ થતું હોવાની ફરિયાદ અન્વયે એસઓજીની ટીમે યુનિવર્સીટી રોડ ઉપર એક દુકાનમાં દરોડો પાડી ત્યાંથી અગાઉ આત્મીય કોલેજમાં એમએસસીનો અભ્યાસ કરનાર વાણિયાવાડીના શખ્સને વિવિધ ફ્લેવર,ચીમની,ચીપિયા સહીત 1,44,990 રૂપિયાના મુદામાલ સાથે ઝડપી લીધો છે. આ શખ્સ કોલેજીયન યુવકોને જ હુક્કાનું તમાકુ વેચતો હોવાનું જાણવા મળ્યું છે.
રાજકોટ શહેરમાં યુવાધન હુક્કા જેવી બદી તરફ વળી ગયું હોય તેને બરબાદ થતું. બચાવવા માટે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલની સૂચનાથી એસઓજી પીઆઇ આર વાય રાવલના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ અસલમ અંસારી અને તેમની ટીમને મળેલી બાતમી આધારે યુનિવર્સીટી રોડ ઉપર સ્મુકાહ એક્સોટિક ફ્લેવર એન્ડ ફ્રેગ્રન્સ નામની દુકાનમાં દરોડો પાડી ત્યાંથી વાણિયાવાડીમાં રહેતા વેપારી ભવ્ય જયેશભાઇ ગંધાની ધરપકડ કરી હતી પોલીસે તે દુકાનમાંથી હુક્કામાં વપરાતી વિવિધ બ્રાન્ડની ફ્લેવરની તમાકુ, બે હુક્કા, 46 પાઇપ, કોલસાના 10 પેકેટ, ઇલેક્ટ્રિક સગડી, 5 ચીપિયા, 46 ચીમની સહીત 1,44,990 રૂપિયાનો મુદામાલ કબ્જે કર્યો હતો અને 102 મુજબ કાર્યવાહી હાથ ધરી હતી પોલીસની પ્રાથમિક તપાસમાં ભવ્ય અગાઉ આત્મીય કોલેજમાં જ અભ્યાસ કરતો હતો તેણે ત્યાં એમએસસી સુધીનો અભ્યાસ કર્યો હોવાનું અને ત્યાં થયેલી ઓળખાણ થકી ત્યાંના જ વિદ્યાર્થીઓને હુક્કાનું તમાકુ વેચતો હોવાનું જાણવા મળ્યું છે.
