ભારતમાં ત્રણ કૃષિ કાયદાઓ વિરુદ્ધ ખેડૂતોના આંદોલન પર અમેરિકાના વિદેશ મંત્રાયલે પોતાની પ્રતીક્રિયા આપી છે. ભારતમાં ખેડૂતોના વિરોધ પ્રદર્શનના પ્રશ્નના જવાબમાં અમેરિકાના વિદેશ વિભાગે બુધવારે, 3 ફેબ્રુઆરીએ કહ્યું હતું કે, શાંતિપૂર્ણ વિરોધ અને ઇન્ટરનેટ સહિતની માહિતીની પહોંચ કોઈપણ મજબૂત લોકશાહીની ઓળખ હોઈ છે. જણાવી દઇએ કે,અમેરિકા તરફથી આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે વિશ્વની મોટી હસ્તીઓ ભારતમાં થઈ રહેલા ખેડૂત આંદોલનના સમર્થનમાં સામે આવ્યા છે.
અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તાના કહેવા પ્રમાણે,”અમારું માનવું છે કે, શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કોઈપણ લોકશાહીની ઓળખ હોઈ છે, અને એ વાત યાદ રાખવાની વાત છે કે, ભારતની સુપ્રીમ કોર્ટે પણ એવું જ કહ્યું છે. અમે પ્રોત્સાહિત કરીએ છીએ કે કોઈપણ મતભેદોને સંવાદ દ્વારા ઉકેલી શકાય.”
જોકે, અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તાએ ભારત સરકારના કૃષિ કાયદાના સમર્થનમાં પણ પોતાનો અભિપ્રાય આપ્યો છે અને કહ્યું કે,”અમેરિકા ભારતના બજારોની કાર્યક્ષમતામાં સુધારો લાવવા અને વધુ ખાનગી રોકાણ આકર્ષવા માટેના પગલાઓને આવકારે છે.”
જણાવી દઈએ કે, ભારત સરકારના જણાવ્યા મુજબ, ખેડૂત આંદોલન કરી રહ્યા છે તે ત્રણ કાયદાથી ખેડૂતોને તેમની પેદાશો વેચવાની રાહત અને સ્વતંત્રતા મળશે. જોકે વિરોધ કરી રહેલા ખેડૂતોએ દલીલ કરી છે કે આ કાયદો કોર્પોરેટરોના હિતોને પ્રાધાન્ય આપે છે.
ઇન્ટરનેટ પ્રતિબંધ અંગે અમેરિકાએ શું કહ્યું ?
છેલ્લા કેટલાક દિવસોમાં, દિલ્હી અને હરિયાણાના કેટલાક જિલ્લાઓમાં વિરોધ સ્થળો પર ઇન્ટરનેટ સેવાઓ બંધ કરવામાં આવી હતી.
અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તાએ વધુમાં કહ્યું, “અમારું માનવું છે કે ઇન્ટરનેટ સહિતની માહિતી સુધી લોકોની પહોંચએ અભિવ્યક્તિની સ્વતંત્રતા અને લોકશાહીની ઓળખ છે.”
જણાવી દઇએ કે, આ પહેલા અમેરિકન પોપસ્ટાર રિહાના અને પર્યાવરણીય કાર્યકર ગ્રેટા થનબર્ગ જેવી ઘણી હસ્તીઓએ ખેડૂતોમાં ટેકો આપ્યો હતો, ત્યારબાદ ભારતીય વિદેશ મંત્રાલયે પણ એક નિવેદન જારી કર્યું હતું. આ સિવાય બોલિવૂડના ઘણા કલાકારો અને ક્રિકેટરોએ પણ ભારત સરકારના સમર્થનમાં ટ્વિટ કર્યું હતું.
