પાર્થ મજેઠીયા, ભાવનગર: 72મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાની અધ્યક્ષતામાં ભાવનગર ખાતેના પોલિસ પરેડ મેદાન, નવાપરા ખાતે સવારે 9 કલાકે યોજાનાર છે.

આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી સુચારૂ રીતે યોજાય તે માટેનું રિહર્સલ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાની રાહબરી હેઠળ કાર્યક્રમના સ્થળે યોજવામાં આવ્યું હતુ. જેમા કલેક્ટરએ મંત્રીનું આગમન, ધ્વજવંદન, પોલીસ ટુકડી દ્વારા સલામી અને રાષ્ટ્રગાન, પરેડ નિરીક્ષણ, માર્ચ પાસ્ટ, મંત્રીશ્રી દ્વારા ઉદબોધન, મંત્રીના હસ્તે પ્રમાણપત્રોનું વિતરણ, સાંસ્કૃતિક કાર્યક્રમ, વૃક્ષારોપણ સહિતના આયોજનોનું રિહર્સલ નિહાળી નિરીક્ષણ કર્યું હતું.

કલેકટરએ જિલ્લા પોલિસ તંત્ર દ્વારા યોજાયેલ પરેડ, શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા રજુ કરવામાં આવેલ સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ રીહર્સલમાં ભાગ લેનાર પરેડના જવાનો તથા સાંસ્કૃત્તિક કાર્યક્રમમાં ભાગ લેનાર શાળાઓ, માધ્યમિક ઉચ્ચત્તર માધ્યમિક શાળાના બાળકો, વિધાર્થીઓની પ્રતિભાઓને નિહાળી હતી અને બિરદાવી હતી. ઉપરાંત કાર્યક્રમના દિવસે પદાધિકારી/અધિકારીઓ, પત્રકારો, ઓડિયન્સ વગેરેની બેઠક વ્યવસ્થા અંગે નિરીક્ષણ કર્યું હતું.આમ જિલ્લા પ્રશાસન દ્વારા રાષ્ટ્રીય પર્વની ઉજવણીની તમામ તૈયારીઓ સંપન્ન કરી દેવામાં આવી હતી.

રિહર્સલમાં ટ્રાફિક પોલીસ, પુરૂષ પોલીસ ટુકડી, મહિલા પોલીસ ટુકડી, હોમગાર્ડ હથિયારી, મહિલા હોમગાર્ડ, ઘોડેસવાર યુનિટ, મ્યુઝીક પ્લાટુન સહિતની 7 ટુકડીઓ દ્રારા પરેડ યોજવામાં આવી હતી.
