વિનય પરમાર, રાજકોટ: રાજ્યમાં સંગઠિત ગુનાખોરી આચરતી ગુંડા ગેંગને નાથવા સૌથી કડક ગુજસીટોક (ધી ગુજરાત ક્ધટ્રોલ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ) હેઠળ ગૂના નોંધી જેલભેગા કરવાનું શરૂ કરાયું છે.
આ કાયદા અંતર્ગત રાજકોટ પોલીસે દૂધસાગર રોડ વિસ્તારના કુખ્યાત ઇમ્તિયાઝ ઉર્ફે લાલો રાઉમા સહિત 11 સભ્યની ગેંગને ગુજસીટોક હેઠળ જેલભેગા કર્યા પછી ભીસ્તીવાડના કુખ્યાત ખીયાણી ગેંગના ત્રણ સગાભાઇ એજાઝ, મીરઝાદ અને મુસ્તુફા, ઉપરાંત ઇમરાન મેણુ, સહિત 11 સામે ગુજસીકોટ હેઠળ ગુનો નોંધ્યો છે. ખૂન, ખૂનની કોશિષ, ફાયરીંગ, લૂંટ, ધાડ, અને મની લોન્ડરીંગ જેવા સંખ્યાબંધ ગુના આચરનાર આ ટોકળીના 11 માંથી 4 આરોપી ખૂન,લૂંટના ગુનામાં જેલમાં છે. બે આરોપીએ ગઇ કાલે જ પકડવા આવેલી પોલીસ ટીમ ઉપર પથ્થમારો કરતા બન્નેને ઝડપી લેવાયા હતા.
અન્ય ત્રણ આરોપીને રાઉન્ડ અપ કરી લેવાયાની તેમજ બાકીના બે આરોપી પણ સાંજ સુધીમાં સકંજામાં આવી જવાની સંભાવના જોવાઇ રહી છે. પોલીસના આ આકરા વણલ પછી શહેરના વિવિધ વિસ્તારમાં લુખ્ખાગીરી કરી નિર્દોષ પ્રજાને રંજાડીને પૈસા પડાવતા લુખ્ખાઓ ભોંભીતર થઇ ગયા છે.
શહેરના જંકશન વિસ્તારના ભીસ્તીવાડમાં રહેતા કુખ્યાત અક્બર ઉર્ફે હકુભા ખીયાણીના ત્રણ પુત્ર એજાજ ઉર્ફે ટકો, મીરજાદ અને મુસ્તુફા સામે ખૂનની કોશિષ, ફાયરીંગ, જુગાર, મારમારી,દારુ, વ્યાજખોરી સહિત અને ગુના નોંધાયા હતા. જ્યારે રાજન ઉર્ફે સરતાન હમીદભાઇ ખીયાણી પણ જેલના સંત્રીના લમણે તમંચો મુકી સ્ટાફ ઉપર સશસ્ત્ર હુમલો, મારામારી, આર્મ્સ એક્ટ સહિત અનેક ગુનામાં પકડાઇ ચૂક્યો છે.
ઇમરાન જાનમહમદ મેણુની પણ મારામારી, ખૂનની ધમકી, જુગાર સહિત અનેક ગુનામાં સંડોવણી છે જ્યારે ખૂનના ગુનામાં જેલવાસ ભોગવી રહેલા રિયાઝ ઇસ્માઇલભાઇ દલ, રિઝવાન ઇસ્માઇલભાઇ દલ અને શાહરુખ ઉર્ફે રાજા અલ્લારખાભાઇ ઉર્ફે બાબુ જુણેજા જેલમાં બેઠા બેઠા પણ ફોન ઉપર ધમકીઓ આપીને ગેંગ ઓપરેટ કરી રહ્યા છે.
અનેક ગુનામાં સંડોવાયેલો યાસીન ઉર્ફે ભૂરો ઓસમાણભાઇ કઇડા તાજેતરમાં જ ઇંડાની લારીને યુવકને માર મારી લૂંટ કરવાના ગુનામાં પકડાયો છે. જ્યારે માજીદ રફીકભાઇ ભાણુ અને મુસ્તુફા અક્બરભાઇ ઉર્ફે હકુભા ખીયણીને પોલીસ બળજબરીથી પૈસા પડાવવાના ગુનામાં શોધી રહી હતી. ગઇ કાલે કુવાડવા નજીક બન્ને આરોપીએ તેને પકડવા આવેલા પ્રધ્યુમનગરના પીએસઆઇ કે.ડી.પટેલ સહિતના સ્ટાફ ઉપર પથ્થરમારો કર્યો હતો. આ હુમલામાં પીએસઆઇ પટેલને ઇજા થઇ હોવા છતાં બન્નેને ઝડપી લીધા હતા.
બન્ને સામે હુમલો, ફરજમાં રૂકાવટની અલગ ફરિયાદ નોંધાવી હતી. ઉપરોક્ત તમામ 11 આરોપી સામે 2011થી આજ સુધી એટલે કે છેલ્લા એક દસકામાં અનેક ગુના નોંધાયા હોવાથી કમિશનર મનોજ અગ્રવલા, ડીસીપી મનોહરસિંહ જાડેજા સહિતના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પીઆઇ એલ.એલ.ચાવડાએ એલ.એલ.ચાવડાએ જાતે ફરિયાદી બની ગુજસીટોક મુજબ ફરિયાદ નોંધાવી હતી.
