વિનય પરમાર,રાજકોટ: ગોંડલ-રાજકોટ હાઇ-વે પર બિલીયાળા ગામ નજીક આવે વ્હેલી સવારે કપાસ ભરેલા ટ્રક અને આઇ-10 કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ટ્રકની ડિઝલ ટેન્ક ફાટતા બોમ્બ વિસ્ફોટ થયો હોય એવા પ્રચંડ ધડાકા સાથે કાર અને ટ્રક પળવારમાં અગનગોળો બની ગયા જતાં કારમાં બેઠેલા ગોંડલના વૃધ્ધા, કાર ચાલકના પત્ની તેમજ ક્ષત્રિય આગેવાનના પત્ની કારમાં જ ભડથું થઇ ગયા હતા.
સળળગતી કારમાંથી બહાર નિકળવામાં સફળ થયેલા પુત્રએ માતા-પત્ની સહિત ત્રણેયને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. ચાલકને પણ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયા છે. બનાવના પગલે ગોંડલ ક્ષત્રિય આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલ દોડી ગયા હતા, હોસ્પિટલમાં સ્વજનોના હૈયાફાટ રૂદનથી કરૂણ દ્રશ્યો સર્જાયા હતા. બનાવની સમગ્ર ક્ષત્રિય સમાજ શોકમગ્ન બની ગયો છે. ક્ષત્રિય પરિવાર સુરેન્દ્રનગરના ખેરાળી ગામે લૌકિક ક્રિયામાં જઇ રહ્યો હતો ત્યારે દુર્ઘટના સર્જાઇ હતી.
કરૂણાંતિકાની પ્રાપ્ત વિગત મુજબ, ગોંડલમાં દેરાશેરીમાં રહેતા અને અમુલ પાર્લર ધરાવતા મહેશસિંહ કિશોરસિંહ રાયજાદાના સાસરીયા પક્ષમાં એક સભ્યનું કોરોનાથી અવસાન થયું હતું. મૃતકની લૌકિક ક્રિયામાં હાજરી આપાવા આવે વહેલી સવારે મહેશસિંહ, તેના પત્ની મુકંદબા (ઉ.વ. 45), માતા રસીકબા કિશોરસિંહ રાયજાદા(ઉ.વ.80) અને ક્ષત્રિય આગેવાન ભીખુભા જાડેજાના પત્ની રેખાબા ભીખુભા જાડેજા (ઉ.વ.62) સાથે આઇ-10 કારમાં ખેરાળી જવા રવાના થયા હતા. સવારે 6:30 વાગ્યાના અરસામાં બિલીયાળા ગામના પાટિયા નજીકથી પસાર થઇ રહ્યા હતા ત્યારે બિલયાળા તરફ આવી રહેલા કપાસ ભરેલા ટ્રક અને કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો.
ટ્રકના ડિઝલ ટેન્ક સાથે કાર અથડાથાં ડિઝલ ટેન્ક બોમ્બની જેમ ફાટતા પ્રચંડ ધડાકા સાથે બન્ને વાહન આગની લપેટમાં આવી ગયા હતા. ટ્રકમાં કપાસ ભરેલો હોવાથી પળવારમાં જ આગે રૌદ્ર સ્વરુપ પકડી લીધું હતું તેમજ ટ્રકની ડિઝલ ટેન્ક ફાટી જતાં ડિઝલનો ફૂવારો કાર ઉપર જતાં કાર પણ સળગી ઉઠતા હાઈ-વે પર મરણચીસો સાથે ભયાનક દ્રશ્યો સર્જાયા હતા.
જોકે, આગની લપેટમાં આવી ગયેલી કારમાંથી ચાલક મહેશસિંહ રાયજાદા ગંભીર રીતે દાઝી ગયા હોવા છતાં હિંમતભેર બહાર નિકળી ગયા હતા અને કારમાં બેઠેલા પરિવારના સભ્યોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ડિઝલના કારણે ઝડપથી પ્રસરેલી આગના કારણે તેમને સફળતા મળી ન હતી. બનાવની જાણ થતાં ગોંડલ ફાયર બ્રિગેડનો સ્ટાફ બે ફાયર ફાયટર સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવા પ્રયાસ કર્યો હતો. આ દુર્ઘટનામાં કારમાં બેઠેલા વૃધ્ધા સહિત ત્રણે મહિલા કારમાં જ ભડથું ગયા હતા.
ત્રણેયના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગોંડલ સિવીલ હોસ્પિટલમાં લઇ જવાયા હતા જ્યારે ગંભીર રીતે દાઝી ગયેલા મહેશસિંહને સારવાર હેઠળ રખાયા છે. અકસ્માતના કારણે ટ્રાફિક જામ થઇ ગયો હતો. તેમજ બન્ને વાહનો સળગીને ખાક થઇ ગયા હતા. તાલુકા પોલીસ મથકના પીએસઆઇ એમ.જે.પરમાર, મદદનીશ સેની સહિતનો સ્ટાફ બનાવ સ્થળે દોડી ગયો હતો.
ગોઝારા અકસ્માતની જાણ થતાં ગોંડલ ક્ષત્રિય સમાજ અને આગેવાનો મોટી સંખ્યામાં હોસ્પિટલ પહોંચી ગયા હતા. હોસ્પિટલમાં કરૂણ આક્રંદથી ઉપસ્થિત તમામની આંખો ભીની થઇ ગઇ હતી.
કારમાં ભડથું થઇ ગયેલા હતભાગીના નામ
-મુકંદબા મહેશસિંહ રાયજાદા (ઉ.વ. 45,ગોંડલ)
-રસીકભાઇ કિશોરસિંહ રાયજાદા(ઉ.વ.80,ગોંડલ)
-રેખાબા ભીખુભા જાડેજા (ઉ.વ.62,ગોંડલ)
ટ્રક ચાલક ઉતરીને ભાગી ગયાની શક્યતા
ટ્રક અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માત પછી બન્ને વાહન સળગી ઉઠ્યા હતા. આગમાં કારમાં સવાર વૃધ્ધા સહિત ત્રણ કારમાં જ ભડથું થઇ ગયા હતા. જ્યારે ટ્રક ચાલકનો કોઇ પત્તો મળ્યો નથી. આગની જ્વાળાઓ ટ્રકની કેબીનની અંદર પ્રસરે એ પહેલાં ટ્રકમાંથી ઉતરી જવામાં સફળ થયેલો ટ્રક ચાલક પલાયન થઇ ગયાની શક્યતા જોવાઇ રહી છે.
આગમાં ભૂંજાઇ ગયેલા રેખાબાના પતિ ક્ષત્રિય સમાજના આગેવાન છે
કરૂણ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર રેખાબાના પતિ ભીખુભા જાડેજા જીઇબીના નિવૃત કર્મચારી છે. અને હાલમાં તેઓ મહારાજા ભગવતસિંહજી વિદ્યાર્થી ગૃહ ટ્રસ્ટના પ્રમુખ તેમજ ક્ષત્રિય સમાજના આગેવાન છે. તેમને સંતાનમાં એક પુત્ર, ચાર પુત્રી છે.
રસીકબાના પતિ મામલતદાર હતા
અકસ્માત, આગમાં રસીકબા કિશોરસિંહ રાયજાદા અને મુકુંદબા મહેશસિંહ રાયજાદા પણ ભડથું થઇ ગયા હતા. રસીકબાના પતિ કિશોરસિંહ નિવૃત મામલતરાર હતા અને હયાત નથી. તેમને ચાર સંતાન છે. આગમાં ગંભીર રીતે દાઝી ગયેલા મહેશસિંહ ઘર પાસે જ અમુલ પાર્લર નામથી દૂધ અને દૂધની બનાવટના વ્યવસાય કરે છે.
ટ્રકની ડિઝલ ટેન્ક સાથે જ કાર અથડાઇ અને પ્રચંડ ધડાકો થયો
સૂત્રોના જણાવ્યા મુજબ, કાર પસાર થઇ રહી હતી ત્યારે જ બિલીયાળા તરફ આવી રહેલો કપાસ ભરેલો હાઇ-વે ક્રોસ કરી રહ્યો હતો ત્યારે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ટ્રકની ડિઝલ ટેન્ક સાથે અથડાતાં ડિઝલ ટેન્ક ધડાકા સાથે ફાટતા બોમ્બ વિસ્ફોટ જેવો અવાજ થયો હતો. ડિઝલ ટેન્ક ફાટવાથી આગ ભભૂકી ઉઠી હતી. ડિઝલ અને કપાસના કારણે પળભારમાં જ આગે રોદ્ર સ્વરૂપ પકડી લેતા કારમાં બેઠેલા વૃધ્ધા સહિત ત્રણેય મહિલાને બહાર નિકળવાનો મોકો મળ્યો ન હતો. આ મામલે એફએસએલના અધિકારી દ્વારા જીણગટભરી તપાસ શરૂ કરવામાં આવી છે.
