પંચમહાલ: જિલ્લાના હાલોલ પાસે મધવાસ પાસે ટ્રેકટર અને બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બાઈક પર કડીયાકામ માટે હાલોલ જવા નીકળેલા બે સગાભાઈઓના કરૂણ મોત થયા હતા. અકસ્માત બાદ ટ્રેકટર ચાલક ઘટના સ્થળેથી ફરાર થયો હતો. આ મામલે કાલોલ પોલીસે પરિવારજનોની ફરિયાદને આધારે તપાસ હાથ ધરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પંચમહાલ જિલ્લાના કાલોલના ખરસાલિયા ગામે રહેતા વિક્રમભાઈ દલાભાઈ રાઠવા અને દિનેશભાઈ દલાભાઈ રાઠવા બંને ભાઈઓનું હાલોલ ખાતે કડીયાકામ ચાલતું હોવાથી તેઓ બાઈક પર હાલોલ જવા નીકળ્યા હતા. જેમા કરાડ નદીના પુલની આગળ અચાનક પુરઝડપે આમતા ટ્રેકટરે તેમને અડફેટે લીધા હતા. જેમા વિક્રમભાઈ દલાભાઈ રાઠવાનુ ઘટના સ્થળે મોત થયુ હતું. બીજા ઘાયલ થયેલા દિનેશભાઈ રાઠવાને સ્થાનિકોની મદદથી 108 બોલાવીને કાલોલ હોસ્પિટલ અને ત્યાથી વધુ સારવાર માટે વડોદરા લઈ જવાતા રસ્તામાં પોતાના પ્રાણ છોડી દેતા બંને શ્રમજીવી ભાઈઓના કરૂણ મોત થયા હતા.
બે ભાઈઓના મોત થતા પરિવારજનો પર આભ તુટી પડ્યુ હતુ. પિતાએ પોતાના બે જુવાનજોધ પુત્રો ગુમાવતા આંખ માથી આસુ સૂકાતા ન હતા. ગફલતભરી રીતે અકસ્માત કરનાર ટ્રેકટરચાલક ત્યાથી ફરાર થઈ ગયો હતો.આ મામલે પિતાએ કાલોલ પોલીસ મથકે ટ્રેકટરચાલકની સામે ફરિયાદ નોધાવતા પોલીસે ટ્રેકટરચાલકને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
