રવિ નિમાવત,મોરબી: ભાજપ નેતાઓ કોરોના મહામારીની અવગણના કરીને ગાઈડલાઈન્સની એસી તેસી કરીને તાયફાઓ કરે છે. તેવા કોંગ્રેસ દ્વારા આક્ષેપો કરવામાં આવતા હોય છે. જોકે આવ ભાઈ હરખા આપણે બેય સરખા જેવો ઘાટ જોવા મળી રહયો છે અને મોરબીમાં કોંગ્રેસ નેતાઓ પણ સોશ્યલ ડીસટન્સના લીરેલીરા ઉડાવવામાં જરાપણ પાછી પાણી કરતા જોવા મળતા નથી.
દેશની રાજધાની દિલ્હી ખાતે કૃષિ બીલના વિરોધમાં ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે. જેને સમર્થન આપવાના હેતુથી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ખેડૂત આંદોલનના સમર્થનમાં વિરોધ પ્રદર્શન કરાયું હતું. જેમાં કોંગ્રેસ અગ્રણી જયંતીભાઈ પટેલ, કે ડી પડસુંબીયા, મુકેશભાઈ ગામી સહિતના અગ્રણીઓ અને કાર્યકરોએ ભાજપ વિરોધી સુત્રોચ્ચાર કર્યો હતો. તેમજ બાદમાં જીલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું હતું જોકે કોંગ્રેસના વિરોધ પ્રદર્શનમાં સોશ્યલ ડીસટન્સના લીરેલીરા ઉડતા જોવા મળ્યા હતા. કોંગ્રેસી નેતાઓએ દો ગજ્કી દુરીનું પાલન કર્યું ના હતું.
ભાજપ નેતાઓ સત્તાના મદમાં નિયમો તોડતા હોય છે. જેને ફટકાર લગાવવાની જવાબદારી વિપક્ષ તરીકે કોંગ્રેસની છે. જોકે કોંગ્રેસ પણ ભાજપના નકશે કદમ પર ચાલી રહી છે. ત્યારે નિયમોનું પાલન કોણ કરશે અને કોણ કરાવશે તેવા સવાલો ઉપસ્થિત થયા છે.
