ગાંધીનગર: સીએમ વિજય રૂપાણી 10મી જાન્યુઆરીએ સવારે 9.30 વાગ્યે સુરત જિલ્લાના સઠવાવ ખાતેથી માંડવી અને માંગરોળના આદિજાતિ વિસ્તારોને સિંચાઈની સુવિધા પૂરી પાડતી 570 કરોડની કાકરાપાર-ગોરધા-વડ ઉદવહન સિંચાઈ યોજનાનું લોકાર્પણ કરશે.
રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં ડુંગરાળ પ્રદેશમાં વસેલા ગામોને સિંચાઈ માટેની પૂરતી સુવિધા મળી રહે તે માટે વિષમ ભૌગોલિક પરિસ્થિતિ ધરાવતા આવા વિસ્તારોમાં લિફ્ટ ઈરિગેશન-ઉદવહન સિંચાઈ યોજનાથી જળ સમૃદ્ધિ આપવાની નિર્ણાયક પ્રતિબદ્ધતા દર્શાવેલી છે.
આ કાકરાપાર-ગોરધા-વડ ઉદવહન સિંચાઈ યોજના અંતર્ગત 32 કિલોમીટર લંબાઈમાં માઈલ્ડ સ્ટિલ પાઈપ બિછાવીને ૩૭ માળ જેટલાં મકાનની ઊંચાઈએ પાણી લિફ્ટ કરીને માંડવી તાલુકાના 61 તથા માંગરોળ તાલુકાના 28 મળી 89 ગામોની 49,500 એકર જમીનને સિંચાઈ માટે પાણી પહોંચાડવામાં આવશે. 29,000 જેટલાં આદિજાતિ ખેડૂત પરિવારોને સિંચાઈ માટે આ પાણીનો લાભ મળવાનો છે.
સીએમ રૂપાણીના હસ્તે લોકાર્પિત થનારી આ લિફ્ટ ઈરિગેશન સ્કીમના પરિણામે 3 મધ્યમ ડેમ, 2 મોટા તળાવો અને 30 ચેકડેમ તેમજ 6 કોતરોમાં જળસંગ્રહ થવાથી આ આદિજાતિ વિસ્તારોમાં પાણીના સ્તર ઊંચા આવશે.
ઉલ્લેખનિય છે કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીના આદિજાતિ કલ્યાણ અભિગમ સ્વરૂપે 2016 થી 4 વર્ષમાં રાજ્યના 18 જિલ્લાના 54 આદિજાતિ તાલુકાઓમાં સિંચાઈ સુવિધાના નાના મોટા 1641 કામો દ્વારા ૪,૨૪,૫૦૦ એકર જમીનને સિંચાઈ સુવિધા મળી છે.
