મુંબઈ: ઉપનગરીય ગોરેગાંવમાં એક ડ્રગ તસ્કરો પર દરોડા દરમિયાન 50 લોકોના ટોળા દ્વારા નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)ના અધિકારીઓની ટીમે હુમલો કર્યો હતો, જેમાં બે અધિકારીઓ ઘાયલ થયા હતા.
NCBના એક અધિકારીએ સોમવારે આ માહિતી આપી. તેમણે કહ્યું કે, રવિવારે સાંજે બનેલી આ ઘટના સંદર્ભે ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ દરોડા માટે NCBના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે અને પોલીસ અધિક્ષક વિશ્વ વિજય સિંહ સહિતની પાંચ સભ્યોની ટીમ દોડી ગઈ હતી.
અધિકારીએ જણાવ્યું કે, NCBની ટીમ ગોરેગાંવમાં ભગતસિંહ નગર વિસ્તારમાં પહોંચી કે તરત જ મહિલાઓ સહિત આશરે 50 લોકો ત્યાં એકઠા થયા અને તે પછી હુમલો કરનારાઓએ તેમના પર હુમલો કર્યો. તેમણે કહ્યું કે, કેટલાક લોકો ટોળાને NCB અધિકારીઓ પર હુમલો કરવા ઉશ્કેરતા હતા અને તેમને ‘અપહરણકર્તાઓ’ કહેતા હતા. વાનખેડેએ હુમલો કરનાર ટોળાને રોકવાનો પ્રયાસ કર્યો હતો અને સ્થાનિક પોલીસને જાણ કરી હતી.
અધિકારીએ જણાવ્યું કે આ ઘટનામાં NCB ટીમના બે અધિકારીએ ઘાયલ થયા છે. ત્યારબાદ NCB ટીમના સભ્યો સાથે સ્થાનિક પોલીસે ત્રણેય હુમલાખોરોની ધરપકડ કરી ગોરેગાંવ પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. ધરપકડ કરાયેલા ત્રણેય આરોપીઓની ઓળખ યુસુફ શેખ, તેના પિતા અમીન શેખ અને વિપુલ આગ્રા તરીકે થઈ છે. તેમણે જણાવ્યું હતું કે આ કેસમાં તપાસ ચાલી રહી છે.
