દિલ્હીઃ ખેડૂત આંદોલનને 50 દિવસ થઇ ચૂક્યા છે. હજુ સુધી આ મામલે કોઇ સમાધાન થયું નથી. બીજી બાજુ ખેડૂતો હવે પોતાની રણનીતિ બદલી આક્રમક રૂખ અપનાવી રહ્યાં હોવાનો અણસાર આવી રહ્યો છે. કૃષિમંત્રીના નિવેદન પછી ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકેતે કહ્યું કે, ’26 જાન્યુઆરીએ અમે અમારી રેલી લાલકિલ્લાથી ઈન્ડિયા ગેટ સુધી કાઢશું. જે બાદ તમામ ખેડૂતો અમર જવાન જ્યોતિ પર એકઠા થશે અને ત્યાં ત્રિરંગો ફરકાવીશું. આ ઐતિહાસિક હશે, જ્યાં એક તરફ ખેડૂતો હશે અને બીજી બાજુ જવાન.’
ભારતીય કિસાન યુનિયન (BKU)ના પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યું કે જો સરકાર 5 વર્ષ સુધી કામ કરી શકે છે, તો ખેડૂત આટલા સમય સુધી પ્રદર્શન કેમ ન કરી શકે. તેઓએ કહ્યું કે અમે સુપ્રીમ કોર્ટના ચુકાદાનું સન્માન કરીએ છીએ, પરંતુ કમિટીથી ખુશ નથી. અમારું પ્રદર્શન ત્યાં સુધી યથાવત રહેશે, જ્યાં સુધી સરકાર કાયદો પરત નહીં ખેંચી લે.
કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂત આંદોલનનો આજે 50મો દિવસ છે. આજે જ સુપ્રીમ કોર્ટ દ્વારા બનાવવામાં આવેલી કમિટીના એક સભ્ય ભૂપિન્દર સિંહ માને પોતાનું નામ પરત ખેંચી લીધું છે. તેઓએ કહ્યું કે તેઓ ખેડૂતોની સાથે છે. આ ઘટના પછી ખેડૂતો અને કેન્દ્ર વચ્ચેની વાતચીતને લઈને સસ્પેન્સ હતું. પરંતુ સરકારે કહ્યું કે અમે શુક્રવારે ખેડૂતોની સાથે વાતચીત માટે તૈયાર છીએ. કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે આશા છે કે ખેડૂતો સાથેની આગામી બેઠક સકારાત્મક રહેશે.
બુધવારે દિલ્હી બોર્ડર પર ખેડૂતો સાથે દિવસભર બેઠકો ચાલતી રહી. ખેડૂત સંગઠનોએ દાવો કર્યો કે લોહડી પર પંજાબ સહિત સમગ્ર દેશમાં 20 હજારથી વધુ જગ્યાઓએ કૃષિ કાયદાની કોપી સળગાવવામાં આવી. ખેડૂત નેતા હરમીત સિંહ કાદિયાંએ જણાવ્યું કે બેઠકમાં નિર્ણય કર્યો કે 18 જાન્યુઆરીએ મહિલાઓ દેશભરમાં દરેક જિલ્લા મુખ્યલયો પર પ્રદર્શન કરશે.
પરેડને લઈને પંજાબમાં ખેડૂત સભ્ય અને ગ્રામીણ મોટા સ્તરે તૈયારીઓમાં લાગી ગયા છે. સવાર-સાંજ ઘરે ઘરે જઈને ખેડૂત પરિવારોને જાગરૂત કરવામાં આવી રહ્યાં છે. પ્રદેશ ભરમાં વોલન્ટિયર્સની પણ ભરતી કરવામાં આવી રહી છે. મહિલાઓ ટ્રેક્ટર ચલાવવાની પ્રેક્ટિસ કરી રહી છે. દોઆબામાં જ્યાં દરેક ગામમાંથી 10-20 ટ્રેક્ટર લઈ જવાની તૈયારી છે. ત્યાં સંગરુરના ગામ ભલ્લરહેડીમાં નિર્ણય લેવાયો છે કે ગામના દરેક પરિવારનો એક સભ્ય દિલ્હી જશે.
