ડાંગમાં 47 કરોડના પાણી પુરવઠા યોજનાનું ખાતમુર્હૂત, જિલ્લામાં કુલ આટલા કરોડના વિકાસકામો થશે

ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના દૂરદરાજ અંતરિયાળ ગામો સહિતના વિસ્તારોમાં પીવાનું શુદ્ધ-પૂરતું પાણી પહોંચાડી પોલીયોમુકત ગુજરાત જેમજ પાણીથી થતા પાણીજન્ય રોગમુકત, હેન્ડપંપમુકત ગુજરાતના નિર્માણની પ્રતિબદ્ધતા દર્શાવી છે.

સીએમ રૂપાણીએ આ અંગે કહ્યું કે, રાજ્ય સરકારે સૌને ક્ષારમુકત, ફલોરાઇડમુકત પાણી મળે તેવા સુદ્રઢ આયોજન સાથે પાણી પુરવઠા યોજનાઓ મારફતે ઘરે-ઘરે નળથી શુદ્ધ પાણી પહોચાડવાનું ભગીરથ અભિયાન ઉપાડયું છે.
મુખ્યમંત્રીએ રાજ્યના અંતરિયાળ આદિજાતિ વિસ્તાર ડાંગમાં રૂ. ૪૭ કરોડના ખર્ચે આકાર પામનારી પાણી પુરવઠા યોજનાનું ખાતમૂર્હત સાથે આ વનબંધુ વિસ્તારને કુલ રૂ. ૭પ કરોડના વિકાસકામોની ભેટ એક જ દિવસમાં આપી હતી.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, પાણીની અછત કે પાણી માટે હવે લોકોને બેડાં લઇને દૂર સુધી જવું ન પડે, ડંકી-હેન્ડપંપ સિંચીને પાણી પીવું ન પડે તે માટે આ સરકારે સમયબદ્ધ આયોજન કરોડો રૂપિયાના ખર્ચે યોજનાઓ કરીને પાર પાડયું છે. તેમણે ઉમેર્યુ કે, દંગામુકત, ફાટકમુકત, શૌચાલયયુકત ગુજરાતની જેમ હવે પાણીજ્ય રોગથી મુકત ગુજરાત બનાવી ઘરે-ઘરે શુદ્ધ પાણી આપવું છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, ‘નલ સે જલ’ અન્વયે હરેક ઘરને નળ દ્વારા પાણી મળે તે માટે ગુજરાતમાં પાણી પુરવઠા વિભાગે સઘન કામગીરી ઉપાડી છે. ગ્રામીણ વિસ્તારો સહિત ૯પ લાખ નળ કનેકશન આપવાનો પુરૂષાર્થ આદર્યો છે.

આપણે ર૦રર પહેલાં રાજ્યના બધા ગામોના ઘરોમાં ૧૦૦ ટકા નલ સે જલ સાકાર કરવું છે તેની ભૂમિકા આપતાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ડાંગ જેવા ડુંગરાળ વિસ્તારમાં છૂટાછવાયા વસેલા ગામો-પરાંઓમાં પાણી પહોચાડવા રાજ્યના અન્ય વિસ્તારોની તૂલનાએ માથાદિઠ ખર્ચ વધારે આવતો હોવા છતાં રાજ્ય સરકારે ખાસ જોગવાઇ કરીને પણ વનબંધુ વિસ્તારમાં શુદ્ધ પાણી પહોચાડવાનું આયોજન કરેલું છે.

રાજ્યના ૧૪ જિલ્લાના ૫૪ તાલુકાના આદિજાતિ વિસ્તારોમા વસતા વનબંધુઓને સિંચાઇના પાણી તથા જળ સમૃદ્ધિ આપવાની નિર્ણાયકતા સાથે ચાર વર્ષમા નાની/મોટી સિંચાઇ યોજનાના વિવિધ ૧૬૪૧ કામો દ્વારા કુલ ૪ લાખ ૨૪ હજાર ૫૦૭ એક જમીનમા સિંચાઇની સવલતો પૂરી પડી છે તેમ જણાવ્યુ હતુ.

૨૦૧૬ થી ૨૦૨૦ દરમિયાન આ વિસ્તારોમા નાની સિંચાઇ યોજનાઓ, હાઈ લેવલ કેનાલ, નાના/મોટા ચેકડેમો, લીફ્ટ ઈરીગેશન સ્કીમ, તથા ઉદ્વહન સિંચાઇ યોજનાઓના કામો મોટા પાયે હાથ ધરવા સંબંધિત વિભાગોને પ્રેરિત કાર્ય છે તેમ જણાવ્યુ હતુ.

મુખ્યમંત્રીએ ૩૪૪ એલ.આઈ.સ્કીમ, ૨૩૪ નાની/મોટી સિંચાઇ યોજનાઓ, ૪૩૨ નાના/મોટા ચેકડેમ તેમજ ૬૧૭ અનુશ્રવણ તળાવો દ્વારા વનબંધુ વિસ્તારોની સમગ્રતયા ૪.૨૪.૫૦૭ એકર જમીનને સિંચાઇનો લાભ આપવામા આવી રહ્યો છે.

ડુંગરાળ અને દુર્ગમ તથા વિષમ સ્થિતિ વાળા વિસ્તારોમા સિંચાઇ સુવિધા માટે રૂ.૩૭૯૬ કરોડની વિવિધ ૧૦ જેટલી ઉદ્વહન સિંચાઇ યોજનાઓના કામોને પણ રાજ્ય સરકારે મંજુરી આપી દીધી છે, તેમ જણાવી શ્રી વિજયભાઇ રુપાણીએ વિવિધ સ્તરે પ્રગતિ હેઠળની આ યોજનાઓના કામો પૂર્ણ થતા મહીસાગર, દાહોદ, પંચમહાલ, સુરત, નર્મદા, ભરૂચ, અને તાપી જિલ્લાના ૨૧ તાલુકાઓના ૫૯૦ ગામોમા સિંચાઇની સવલતો મળતી થશે તેમ ઉમેર્યું હતુ.

ભૂતકાળની સરકારોએ પ્રજાજનોની પ્રાથમિક જરૂરિયાતોના કામો નહિ કરીને પ્રજાદ્રોહ કર્યો હતો, તેમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ શૌચાલયો, પીવાનુ શુદ્ધ પાણી, આવાસ, ગેસ જોડાણ જેવા કર્યો પૂર્ણ કરીને પ્રજાજનોની પ્રાથમિક જરૂરીયાતોની પૂર્તતા ભાજપા સરકારે કરી છે તેમ જણાવ્યુ હતુ. ક્ષારયુક્ત પાણીને કારણે પ્રજાજનોના આરોગ્ય સામે ખતરો ઉભો થયો હતો તેવા સમયે હેન્ડપંપ મુક્ત ગુજરાતની દિશામા રાજ્ય સરકાર આગળ વધી રહી છે તેમ પણ તેમણે ઉમેર્યું હતુ.

રાજ્યમા ચાલી રહેલા વિકાસકાર્યોની વિસ્તૃત વિગતો આપતાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રુપાણીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમા રાજ્યમા અનેકવિધ નવા પ્રકલ્પો, યોજનાઓને પ્રજાર્પણ કરી રહ્યા છે તેમ જણાવી રાજ્યમા પાણી પુરવઠાના કાર્યો હાથ ધર્યા છે તેમ જણાવ્યુ હતું. સને ૨૦૨૨ સુધીમા રાજ્યના ઘર ઘર સુધી “નલ સે જલ” પહોંચાડવાનુ ભગીરથ કાર્ય ઉપાડવામા આવ્યુ છે.

મુખ્યમંત્રીશ્રીએ એમ પણ કહ્યું કે, ડાંગ જેવા પહાડી વિસ્તાર અને અંતરિયાળ વિસ્તારમાં નેટવર્ક કનેકટીવીટીની સમસ્યાના નિવારણ માટે આપણે મોબાઇલ ટાવર કનેકટીવીટી ઊભી કરવા સાયન્સ ટેકનોલોજી વિભાગને રૂ. ૮ કરોડના કામોની સૈદ્ધાંતિક મંજૂરી પણ આપી દીધી છે. પ્રજાલક્ષી વિકાસ કાર્યોના કાર્યક્રમમા ઉદબોધન કરતા રાજ્યના આદિજાતિ, વન, મહિલા અને બાળકલ્યાણ મંત્રી ગણપતસિંહ વસાવાએ આદિવાસી સમાજ માટે અનેકવિધ વિકાસ કાર્યોની ભેટ આપનાર સંવેદનશીલ રાજ્ય અને કેન્દ્ર સરકારના અભિગમનો ખ્યાલ આપી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંકલ્પને સાકાર કરવા માટે પ્રતિબદ્ધ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની સરકારે તબક્કાવાર આયોજનો કર્યા છે તેમ જણાવ્યુ હતુ. માતા અને બાળમૃત્યુ દર અંગે ચિંતા સેવીને મુખ્યમંત્રીશ્રીએ આદિજાતિ વિકાસ વિભાગના અનુદાનમાંથી રૂપિયા દોઢ કરોડના ખર્ચે ડાંગ જિલ્લામા “બ્લડ સેન્ટર” કાર્યરત કરાયું છે તેમ જણાવી મંત્રીશ્રીએ “કોરોના કાળ” મા પણ પ્રજાની પડખે રહેનારી સરકારના વિવિધ વિકાસ કાર્યોનો ઉલ્લેખ કરી સરકારની પ્રતિબધતાનો ખ્યાલ આપ્યો હતો. અગામી દિવસોમા અનેકવિધ વિકાસ કાર્યો સાથે સરકારના આયોજનોનો ખ્યાલ આપી મંત્રીશ્રીએ પ્રજાકીય સહયોગની અપીલ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap