નવી દિલ્હી: કડકડતી ઠંડી અને વરસાદ વચ્ચે ખેડૂત આંદોલનનો કૃષિ કાયદાઓ વિરુદ્ધ આજે 41મો દિવસ છે. કેન્દ્ર સરકાર અને ખેડૂતોના પ્રતિનિધિઓ વચ્ચે અત્યાર સુધીમાં 8 રાઉન્ડ બેઠક યોજાઈ છે, પરંતુ આ મુદ્દાનો હજી સુધી કોઈ સમાધાન મળી શક્યું નથી. સોમવારે સરકાર અને ખેડૂતો વચ્ચે 8મા રાઉન્ડની બેઠક મળી હતી, પરંતુ આ બેઠકમાં કોઈ પરિણામ આવ્યું નથી.
ત્રણેય કાયદાને પરત ખેંચવાની માંગ પર ખેડૂત હજી પણ અડગ છે, સરકાર પણ કાયદા પાછો ખેંચવા તૈયાર નથી. હવે આગામી રાઉન્ડની બેઠક 8મી જાન્યુઆરીએ બપોરે 2 વાગ્યે યોજાશે.
આઠમા રાઉન્ડની બેઠક બાદ કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમારે કહ્યું હતું કે ‘મને આશા છે કે અમારી આગામી બેઠક દરમિયાન અમારી એક સાર્થક ચર્ચા કરી છું અને અમે કોઈ નિષ્કર્ષ પર આવીશું. સાથે કૃષિ મંત્રીએ કહ્યું કે, અમે ઈચ્છતા હતા કે,ખેડૂત યૂનિયન ત્રણ કાયદા પર ચર્ચા કરે. ખેડૂત યૂનિયનના કાયદો રદ કરવાની તેમની માંગ પર અડગ રહ્યા છે.
આ દરમિયાન અખિલ ભારતીય કિસાન સભાના મહામંત્રી હન્નાન મૌલાએ કહ્યું હતું કે, સરકાર ઉપર ઘણાં દબાણ છે. અમે બધાએ ફરી એક વખત સરકારની સામે કહ્યું કે અમે ત્રણેય કાયદાઓને રદ કરવા સિવાય બીજું કશું મંજૂર નથી કરતા, કે અમે કોઈ અન્ય મુદ્દા પર ચર્ચા કરવા માંગીએ છીએ. કાયદો રદ નહીં થાય ત્યાં સુધી અમારો વિરોધ ચાલુ રહેશે.
તો ભારતીય કિસાન યૂનિયનના પ્રવક્તા, રાકેશ ટિકૈતે કહ્યું કે, અમારી માંગણીઓ પર ચર્ચા કરવામાં આવી. ત્રણ કાયદા અને એમએસપી રદ થવી જોઈએ. જ્યાં સુધી કાયદો પાછો નહીં લે ત્યાં સુધી ઘરે પાછા ફરીશું નહીં. તેમણે વધુમાં જણાવ્યું હતું કે 8 મીએ તેઓ ફરી સરકાર સાથે મુલાકાત કરશે. ત્રણ કૃષિ કાયદા અને એમએસપી બંનેના મુદ્દા પરત ખેંચવાની ફરી 8 મીએ ચર્ચા કરવામાં આવશે. અમે કહ્યું છે કે જ્યાં સુધી કાયદા પાછા ખેંચવામાં નહીં આવે ત્યાં સુધી અમે ઘરે પાછા નહીં જઇએ.
