ભરત સુંદેશા,પાલનપુર: શહેરમાં એક બેફામ બનેલી કારની ટક્કરે ત્રણ યુવકોના મોત થયા હોવાનું સામે આવ્યુ છે. ગઇકાલે આબુરોડ તરફથી આવતી એક કારના ચાલકે અચાનક સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવતાં અકસ્માત સર્જાયો હતો. બેફામ બનેલી કારે ડીવાઇડર કુદી સામેથી આવતી એક કાર અને બાઇકને ટક્કર મારતાં કારમાં સવાર ત્રણ લોકોના મોત થયા છે. ઘટના બાદ સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠા જીલ્લાના મુખ્યમથક પાલનપુર શહેરના સાંઇબાબા મંદીર પાસે અકસ્માતમાં ત્રણ યુવકોના મોત થયા છે. ગઇકાલે મંગળવારે સાંજના સમયે પાલનપુર-આબુ હાઇવે પર એક ફોરર્ચ્યુનરના ચાલકે કાબૂ ગુમાવતાં કાર ડીવાઇડર કુદી સામે આવતી કાર અને બાઇક સાથે અથડાઇ હતી. આ દરમ્યાન સામેની કારમાં બેસેલાં ત્રણ નિર્દોષ પિતરાઈ ભાઈઓના ઘટના સ્થળે જ કરૂણ મોત થતાં અરેરાટી મચી ગઇ છે. આ સાથે અકસ્માતમાં બે લોકોને ઈજા પહોંચતાં તેમને પાલનપુરની સિવિલ હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ત્રણેય મૃતકો અમીરગઢ તાલુકાના મોટા કરજા ગામના પિતરાઈ ભાઈઓ હોવાનું જાણવા મળ્યું છે.
અમીરગઢ તાલુકાના મોટા કરજા ગામના ત્રણ આશાસ્પદ યુવકોના મોતથી પરિવારજનો સહિતના ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા છે. મૃતક યુવકો શહેરની જુદી-જુદી ગેરેજ સહિતના જગ્યા ઉપર કામ કરતાં હોઇ પરતી ફરતી વખતે અકસ્માત નડ્યો હોવાનું સામે આવ્યુ છે. ઘટના બાદ સમીન્દ્રસિંહ ચૌહાણે ફોરર્ચ્યુનર ગાડીના ચાલક સામે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. પોલીસે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મૃતકોના નામ
સજ્જનસિંહ મુકેશસિંહ ચૌહાણ(ઉ.વ. ૨૧)
વિપિસિંહ ગણપતસિંહ ચૌહાણ (ઉ.વ.૨૨)
હિતેન્દ્રસિંહ જામતસિંહ ચૌહાણ (ઉ.વ.૨૧)
