ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ અને સંચાલન માટે રચાયેલ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ખાતામાં 1511 કરોડ રૂપિયાની રકમ જમા થઈ ચુકી છે, આ માહિતી શુક્રવારે ટ્રસ્ટના કોષાધ્યક્ષ સ્વામી ગોવિંદ દેવ ગિરીએ આપી હતી.
ન્યૂઝ એજન્સી ANI અનુસાર, સ્વામી ગોવિંદ દેવ ગિરીએ તેમને કહ્યું, “અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે આખો દેશ દાન આપી રહ્યો છે. આ દાન અભિયાન દરમિયાન દેશભરમાં 4 લાખ ગામડા અને 11 કરોડ પરિવારો સુધી પહોંચવાનું અમારું લક્ષ્ય છે. અમે આ અભિયાન 15 જાન્યુઆરીથી ચલાવી રહ્યાં છીએ અને તે 27 ફેબ્રુઆરી સુધી ચાલશે. 492 વર્ષ બાદ લોકોને ફરીથી ધર્મ માટે કંઈક કરવાની તક મળી છે.”
જણાવી દઈએ કે ગયા વર્ષે ઓગસ્ટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં જમીનની પૂજા કર્યા બાદ ચાંદીની ઇંટ અને ચાંદીના પાવડાથી ‘શ્રી રામ જન્મભૂમિ મંદિર’ નિર્માણનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે પ્રધામંત્રીએ એક કાર્યક્રમને સંબોધન કર્યું હતું અને તેની શરૂઆત “સિયાવર રામચંદ્ર કી જય” અને “જય સિયા રામ”ની ઘોષણા સાથે કરી હતી.
અગાઉ સુપ્રીમ કોર્ટે રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ જમીન વિવાદના સમાધાન દરમિયાન વિવાદિત જમીન પર રામ મંદિર નિર્માણનો માર્ગ સાફ કર્યો હતો. કોર્ટે રામ જન્મભૂમિ સ્થળને ટ્રસ્ટ દ્વારા મંદિર બનાવવાની જવાબદારી સોંપી હતી, જ્યારે અયોધ્યામાં કોઈક જગ્યાએ પાંચ એકર જમીનને નવી મસ્જિદના નિર્માણ માટે ફાળવવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
