આંધ્રપ્રદેશના કુર્નુલમાં રવિવારે સવારે એક અકસ્માતમાં 14 લોકોનાં મોત નીપજ્યાં છે. આ દુર્ઘટનામાં 4 બાળકો પણ ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટના કુર્નુલ જિલ્લાના વેલદૂર્તિ મંડળના મદારપુર ગામની છે. દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ માર્ગ અકસ્માત અંગે દુ:ખ વ્યક્ત કર્યું છે અને ઘાયલોને જલ્દીથી સ્વસ્થ થવાની પ્રથના કરી છે.
એક મીડિયો રિપોર્ટમાં પોલીસ અધિકારીઓના હવાલાથી કહેવામાં આવ્યું છે કે કેટલાક યાત્રાળુઓ ચિત્તૂરના મદનાપલ્લીથી રાજસ્થાનના અજમેર જઈ રહ્યા હતા. ત્યાર બાદ નેશનલ હાઈવે-44 પર વહેલી સવારે ચાર વાગ્યે વાહન ડિવાઈડર સાથે ટકરાયું હતું અને ત્યારબાદ તે ટ્રક સાથે ટકરાઈ ગયું હતું.
પોતાનો જીવ ગુમાવનારા લોકો ચિત્તૂર અને કડપા જિલ્લાના બે પરિવારોના છે. પોલીસ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસ મુજબ ડ્રાઈવરને ઝપકી આવી જતા અકસ્માત સર્જાયો છે.
આ ટક્કર એટલી જોરદાર હતી કે વાહનોની અંદર મૃતદેહને કચડાઈ ગયા હતા અને તેમને બહાર કાઢવા માટે બચાવકર્તાઓએ મશીનોનો ઉપયોગ કરવો પડ્યો હતો.
જીવ ગુમાવનારા 14 લોકોમાંથી 8 મહિલાઓ, 5 પુરુષો અને 1 બાળક છે. તમામ મૃતકોના મૃતદેહને કુર્નુલની સરકારી હોસ્પિટલમાં રાખવામાં આવ્યાં છે.
