રાજકોટમાં અરેરાટીભરી ઘટના, ગૌશાળામાં 11 સિંહ ત્રાટક્યાને 10 પશુ ફાડી ખાધા

વિનય પરમાર,રાજકોટ: પંથકમાં ૨૦ દિવસથી વિહાર કરી રહેલા ચાર સિંહે ૨૫થી વધુ મારણ કર્યા છે. સિંહના લોકેશન ટ્રેસ કરવા વન વિભાગની કવાયત શરૂ છે. ત્યારે જેતપુર તાલુકાના આરબ ટીંબડી ગામે મધરાતે ગૌશાળામાં ૮ ફૂટની દિવાલ કૂદીને ત્રાટકેલા ૧૧ સાવજે ૧૦ ગાય,વાછરડાના મારણ કરતા ગ્રામજનોમાં ફફટાડ ફેલાઇ ગયો છે. એક સાથે ત્રાટકેલા ૧૧ સિંહ બે ગાયને ગૌશાળામાંથી ખેંચી ગયાનું પણ જાણવા મળે છે.

આરબટીંબડીથી મળતા અહેવાલ મુજબ, ગામમાં આવેલી ગૌશાળામાં ગરાતે ત્રણ વાગે ૧૧ સિંહ ત્રાટક્યા હતા. સિંહના હુમલાથી ગાય,વાછરડાના મરણચીસ જેવા ભાંભરડાથી સૂમસામ ગામ ગુંજી ઉડ્યું હતું.

ગ્રામજનોમાંથી મળતી વિગત મુજબ, સાવજનું ટોળુ ૮ ફૂટ ઉંચી દિવાલ કૂદીને ગૌશાળામાં ઘુસ્યું હતું. અને સ્થળ પર જ ૮ ગાય, વાછરડાનું મારણ કરી મિજબાની માણી હતી. જ્યારે બે ગાયને ગૌશાળાથી દુર સીમ સુધી ખેંચી ગયા હતા. એક સાથે ૧૧ સિંહે જેતપુર પંથકમાં ધામા નાખતા ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો, માલધારીઓમાં ભય ફેલાઇ ગયો છે.

૧૧ સિંહના ટોળાએ આરબ ટીંબડી ગામે ૧૦ ગાય, વાછરડાના મારણ કર્યાની જાણ થતાં આર.એફ.ઓ. પરેશભાઇ સહિત વન વિભાગની ટીમ આરબ ટીંબડી ગામ પહોંચી ગઇ હતી.

નોંધનિય છે કે, રાજકોટ પંથકમાં છેલ્લા ૨૦ દિવસથી પડાવ નાખનાર એક નરસિંહ, સિંહણ અને બે પાઠડાએ ભાયસર પડવલા, નારણડા, લોઢડા, કોટડા સાંગાણી પંથકમાં ૨૫ જેટલા પશુના મારણ કર્યા છે. ગીરથી વિસ્તારની તલાસમાં આવેલા આ સિંહ પરિવારનું ગઇ કાલનું લોકેશન શાપર નજીક હોવાની માહિતી મળી છે. દરમિમયાન જેતપુરમાં એક સાથે ૧૧ સિંહના ટોળાએ ૧૯ ગૌવંશના કરેલા મારણથી ભય સાથે રોમાંચ પણ જાગ્યો છે.

વનવિભાગના સૂત્રોના કહેવા મુજબ, ગીર જંગલમાં સિંહની સંખ્યા વધી જતાં વિસ્તાર ટૂંકો પડી રહ્યો હોવાથી નવા વિસ્તારની તલાસમાં અલગ અલગ સિંહ પરિવાર નવા વિસ્તારની તલાસમાં વિહાર કરી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap